મોરબીની સંસ્થાઓ અને વડીલો ચલાવે છે જઠરાગ્નિ ઠારવાનો અનોખો સેવાયજ્ઞ 

ચાર વૃદ્ધો અને ત્રણ સંસ્થાઓની એક જ નેમ, કોઈ ભૂખ્યું સૂવું ન જોઈએ

મોરબી : સીરામીક નગરી મોરબીમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ન સુવે તે માટે ચાર વડીલો અને સેવાભાવી સંસ્થાઓ સતત પ્રયત્નશીલ છે અને શિયાળો, ઉનાળો કે ચોમાસાની ઋતુ જોયા વગર નિરંતરપણે પોતાનો સેવાયજ્ઞ ચાલુ રાખી ભુખ્યાની જઠરાગ્નિ ઠારવા પ્રયાસો કરી રહ્યા છે.

સામાન્ય રીતે નિવૃત્તિ બાદ મોટાભાગના લોકો આરામની જિંદગી જીવવાનું ઇચ્છતા હોય છે પરંતુ મોરબીમાં વિનોદભાઈ નિમાવત, બચુબાપા પટેલ, ધીરુભાઈ ચાવડા, અને પ્રવીણભાઈ વાણંદ આ ચાર એવા વૃદ્ધો છે જે નિવૃત્તિ પછી પણ ભૂખ્યાજનો ને જઠરાગ્નિ તૃપ્ત કરે છે. આ ઉપરાંત જલારામ મંદિર, ફ્રી ટિફિન સેવા અને પંચમુખી હનુમાન મંદિર જેવી સંસ્થા પણ ભુખ્યાંઓને ભોજન કરાવી તેમજ નિરાધાર વૃદ્ધોને ઘરે બેઠા ટિફિન પહોંચાડે છે.

મોરબીમાં રેલવે સ્ટેશન રોડ પર છેલ્લા ઘણા વર્ષોથી પોતાની એકને એક દીકરી સાસરે ગઈ અને પત્ની સ્વર્ગવાસ પામ્યા બાદ મોરારીબાપુની પ્રેરણાથી બચુબાપા પટેલ પોતાની નાની એવી મઢુલી જેવી ઝૂંપડીમાં રહે છે અને દરરોજ 100-150 લોકોને સામાન્ય 40 -50 રૂપિયામાં જાતે જમવાનું બનાવીને જમાડે છે. તેમજ છેલ્લા ચાર વર્ષથી વિનોદભાઈ નિમાવત રેલવેમાંથી નિવૃત્તિ બાદ વિવિધ સ્થળોએ નિરાધાર વૃદ્ધોને ટિફિન પહોંચાડે છે. આ ઉપરાંત સામ કાંઠે કેસરબાગ પાસે ઝુપ્પડ પટ્ટીના બાળકોને દરરોજ સાંજે તેઓ ભણાવે છે. વિવિધ વાર-તહેવાર પર બાળકોને મનગમતી વસ્તુઓ લઇ આપે છે.

એવી જ રીતે એસબીઆઈ બેન્કમાંથી નિવૃત થઇ યદુનંદન ગૌશાળાની પ્રેરણાથી ધીરુભાઈ ચાવડાએ જય મુરલીધર રાહતનું રસોડું શરૂ કરતુ છે. જેમાં તેઓ છેલ્લા પાંચ વર્ષથી નિરાધાર વૃદ્ધોને ફ્રી ટિફિન સેવા અને છેલ્લા એક વર્ષથી રાહતના રસોડાના રૂપે દરરોજ 150 જેટલા ગરીબ લોકોને માત્ર 30 રૂપિયામાં ભોજન આપવાની સેવા કરી રહી છે. તેમજ દુકાનનો ધંધો મૂકી નિવૃત થયાં બાદ છેલ્લા ચાર વર્ષથી પ્રવીણભાઈ વાણંદ દરરોજ શહેરના મયુર પુલ પર પક્ષીઓ માટે રાખેલા પાણીના કુંડા દરરોજ બપોરે સાફ કરે છે એમાં નવું પાણી ભરે છે. આ ઉપરાંત પક્ષીઓને ચણ પણ નાખે છે.


લોકોની જઠરાગ્નિ ઠારતી સેવાભાવી સંસ્થાઓ 

મોરબીમાં 2009 થી રવાપર રોડ ફ્રી ટિફિન સેવા ટ્રસ્ટ કાર્યરત છે. જેમાં પાંચથી વધુ વૃદ્ધો જ્યાં પણ જરૂરિયાતમંદ લોકો હોય એવા 150 જેટલાં લોકોને તેમના ઘરે જઈને ટિફિન પહોંચાડે છે. જયારે દેને કો ટુકડા ભલા લઈને કો હરિ નામ સૂત્રને સાર્થક કરતુ જલારામ મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા જલારામ મંદિર ખાતે બપોરે તથા સાંજે લોકોને પ્રસાદની સેવા પુરી પડે છે. આ ઉપરાંત સામાકાંઠે આવેલ પંચમુખી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના વૃદ્ધો પણ છેલ્લા 14 વર્ષથી ફ્રી ટીફીન સેવા ચલાવી રહ્યા છે.જેઓ દરરોજ 140 જેટલા લોકોની જઠરાગ્નિ ઠારે છે.