ડિજિટલ ગુજરાતની સાઈટ ધીમી ચાલતી હોવાથી મોરબી જિલ્લામાં શિષ્યવૃત્તિની માત્ર 23 ટકા જ કામગીરી

- text


પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં લાખો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત

ડિજિટલ ગુજરાત પોર્ટલની વારંવારની એરરથી કંટાળી આચાર્યો પોર્ટલનો બહિષ્કાર કરવાના મૂડમાં

મોરબી : સરકારી શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની પ્રક્રિયા અતિ જટીલ અને અરજી માટેની સાઈટ ધીમી ચાલતી હોવાથી અનેક વિદ્યાર્થીઓને હજુ સુધી શિષ્યવૃત્તિ મળી નથી. ડિજિટલ ગુજરાતની સાઈટ ધીમી ચાલતી હોવાથી મોરબી જિલ્લામાં શિષ્યવૃત્તિની માત્ર 23 ટકા કામગીરી જ પૂર્ણ થઈ છે. પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું હોવા છતાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી નથી. ડિજિટલ ગુજરાત પોર્ટલની વારંવાર એરરથી કંટાળીને શાળાના આચાર્યો પણ પોર્ટલનો બહિષ્કાર કરવાના મૂડમાં જણાઈ રહ્યા છે.

- text

મળતી માહિતી પ્રમાણે, ડિજિટલ ગુજરાત સાઈટ હાલ બિલકુલ ચાલતી જ નથી, લોગીન થવા માટે OTP આવતો નથી અને જો OTP આવે તો ઘણીવાર પછી આવે છે. સાઈટ ખુલ્યા પછી એન્ટ્રી કરીએ ત્યારે તુરંત જ પેજ એરર આવી જાય છે. ફરી પાછા લોગીન થઈએ અને એન્ટ્રી શરૂ કરીએ ફરી પાછી પેજ એરર આવી જાય છે અને મહા મહેનતે તમામ ડોક્યુમેન્ટ અને માહિતી ભરીએ અને અંતમાં સેવ કરીએ ત્યારે એરર આવી જાય છે. જેથી ફરી પાછી તમામ પ્રક્રિયા કરવી પડે છે. પહેલું સત્ર પૂર્ણ થવા આવ્યું છતાં 50% જેટલા વિદ્યાર્થીઓની દરખાસ્ત થઈ નથી. જે વિદ્યાર્થીઓની દરખાસ્ત થઈ છે એ રાત્રે કે વહેલી સવારે જાગીને ઉજાગરા કરીને દરખાસ્ત કરેલ છે. દરખાસ્ત થયેલ છે એની દરખાસ્ત સબમીટ કરતી વખતે વિદ્યાર્થીઓના નામ શો નથી થતા એટલે વિદ્યાર્થીઓની તૈયાર થયેલ દરખાસ્ત હાયર ઓથોરિટીને સબમિટ થઈ શકતી નથી. પરિણામે પ્રથમ સત્ર પૂર્ણ થવા આવ્યું હોય વિદ્યાર્થીઓના વાલીઓએ યુનિફોર્મ અને પુસ્તકોના ખર્ચ કરી નાખ્યા હોય વાલીઓ વારંવાર શાળાએ આવી શિષ્યવૃત્તિ બેંકમાં જમા ન થઈ હોય એવી ફરિયાદો કરતા હોય શિક્ષકોની ઘણા સમયની માગ હોવા છતાં ડિજિટલ ગુજરાતના સર્વર પ્રોબ્લેમ દૂર થતાં નથી. તેથી વાલીઓ અને વિદ્યાર્થીઓની રજૂઆત છે કે, સર્વર નાનું પડતું હોય તો ઝોનવાઇઝ જિલ્લાઓને દરખાસ્ત કરવાનું શિડયુલ આપવામાં આવે દા.ત. તરીકે સૌરાષ્ટ્રના જિલ્લામાં દરખાસ્તનું કામ ચાલુ હોય તો અન્ય જિલ્લામાં બંધ હોય જેથી સાઈટ પર પડતો લોડ ઓછો કરી શકાય અને સર્વર વ્યવસ્થિત ચાલે, જો ટૂંક સમયમાં સર્વર પ્રોબ્લેમ દૂર નહીં થાય તો ડિજિટલ ગુજરાત સાઈટનો બહિષ્કાર કરવા શિક્ષકો આચાર્યોની માગ ઉઠી છે.

- text