- text
રાજકોટ અને જૂનાગઢના ભેજાબાજે સ્વામિનારાયણ મંદિરમાં દાન કરવું છે કહી વેપારીને શીશામાં ઉતાર્યા
મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં પેઢી ધરાવતા વેપારીને વિશ્વાસમાં લઈ રાજકોટ અને જૂનાગઢના બે ગઠિયા છેતરી જઈ રૂપિયા 10.28 લાખનું સિંગતેલ અને બેસનનો જથ્થો મેળવી લઈ ધુમ્બો મારી દેતા મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર મારુતિનગરમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં અનાજ કરિયાણાનો વેપાર કરતા મહેશભાઈ છગનભાઈ ખાવડીયાની દુકાન ઉપર આવી જૂનાગઢના બ્રીજેશભાઈ કાંતીલાલ પટેલ અને રાજકોટ એરપોર્ટ રોડ ઉપર રેસકોર્ષ પાર્કમાં રહેતા જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયાએ સ્વામિનારાયણ મંદિરમાં દાન માટે બેસન અને સિંગતેલનો મોટો જથ્થો જોઈએ છે કહી પહેલી વખત 80 ડબ્બા ગુલાબ સિંગતેલ મેળવી નાણાં ચૂકવી આપ્યા હતા.
- text
બાદમાં ફરી વખત તેમની પેઢીએ આવી ચરાડવા, જૂનાગઢ સહિતના સ્વામિનારાયણ મંદિરમાં દાન મોકલવાનું છે કહી 150 ડબ્બા સિંગતેલ અને 200 કટ્ટા બેસનનો જથ્થો મંગાવ્યો હતો. જો કે આઇસરમાં આ જથ્થો લઈ ગયા બાદ બન્ને ભેજાબાજોએ નાણા આપ્યા ન હતા અને વિશ્વાસ રાખવા કહ્યું હતું. અધૂરામાં પૂરું ફરી એક વખત બોલેરો ગાડી લઈને રાજકોટ અને જૂનાગઢના બન્ને ગઠિયા 150 ડબ્બા સિંગતેલ ઉધારમાં મેળવી લઈ પૈસા આપી દેશુની વાતો કરી આજદિન સુધી પૈસા ન આપતા અંતે વેપારી મહેશભાઈ છગનભાઈ ખાવડીયાને પોતે છેતરાયા હોવાનું જણાયું હતું.
દરમિયાન મહેશભાઈ છગનભાઈ ખાવડીયાએ આ છેતરપિંડી મામલે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં જૂનાગઢના બ્રીજેશભાઈ કાંતીલાલ પટેલ અને રાજકોટના જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને ભેજાબાજ ગઠિયા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..
આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..
- text