વર્ષ 2030 સુધીમાં ‘તમામ માટે સલામત શૌચાલય’ એ ટકાઉ વિકાસ માટે આવશ્યક

- text


19 નવેમ્બર : વિશ્વ શૌચાલય દિવસ : વર્ષ 2024ની થીમ છે ‘શાંતિ માટે સ્વચ્છતા’

મોરબી : કહેવાય છે કે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા. શરીરને અંદર-બહારથી સ્વચ્છ અને સ્વસ્થ રાખવા શૌચ અનિવાર્ય છે. શૌચ અંગે જાગૃતિ લાવવા વર્ષ ૨૦૦૧માં ૧૯મી નવેમ્બરથી ‘વિશ્વ શૌચાલય સંગઠન’ દ્વારા ‘વિશ્વ શૌચાલય દિવસ’ની શરૂઆત કરવામાં આવી હતી. એ પછી સંયુક્ત રાષ્ટ્રે વર્ષ ૨૦૧૩માં આ દિવસને માન્યતા આપી હતી. ‘વિશ્વ શૌચાલય દિવસ’ની વર્ષ ૨૦૨૪ની થીમ છે ‘શાંતિ માટે સ્વચ્છતા’. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસે ‘શૌચાલયઃ શાંતિ માટેનું સ્થળ’ એવું અભિયાન પણ શરૂ કરવામાં આવશે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૨૦૩૦ માટે ‘ટકાઉ વિકાસના લક્ષ્યાંકો’ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ) નક્કી કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ‘તમામ માટે સલામત શૌચાલય’ એ ટકાઉ વિકાસ લક્ષ્ય-૦૬ના લક્ષ્યો પૈકીનું એક લક્ષ્ય છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, વિશ્વમાં આજે પણ ૩.૫ અબજ લોકો હજુ પણ સ્વચ્છતાના અભાવની વચ્ચે જીવન જીવે છે. જ્યારે ૪૧ કરોડ ૯૦ લાખ જેટલા લોકો ખુલ્લામાં શૌચ કરે છે.

જો કે શૌચાલય નિર્માણ તેમજ સ્વચ્છતાની બાબતોને ભારતમાં પૂરતું મહત્ત્વ અપાઈ રહ્યું છે. દેશવાસીઓમાં ‘સ્વચ્છતા સંસ્કાર’ બને તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વચ્છાગ્રહ’ શરૂ કર્યો છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં શ્રી નરેન્દ્રભાઈએ ‘નિર્મળ ગુજરાત અભિયાન’નો વર્ષ ૨૦૦૭થી પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત ગુજરાતમાં ૩.૬૬ લાખ જેટલા શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

- text

શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી આ અભિયાનને રાષ્ટ્રીય ફલક પર લઈ ગયા હતા અને બીજી ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ ‘સ્વચ્છ ભારત મિશન’ શરૂ કરાવ્યું હતું. આ સાથે ‘સ્વચ્છતા હી સેવા’, ‘સ્વચ્છતા પખવાડિયા’ જેવા અભિયાનો થકી સરકારી તંત્ર તથા નાગરિકોને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવીને તેના માટે પ્રેરિત કર્યા છે. હાલમાં જ બીજી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ આ મિશનને ૧૦ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૨૦ સુધી ચાલેલા સ્વચ્છ ભારત મિશનના પ્રથમ તબક્કામાં દેશમાં ૫.૬૦ લાખ શૌચાલયોનું નિર્માણ કરાયું છે.

મહત્ત્વનું છે કે, ‘સ્વચ્છ ભારત મિશન’ના મુખ્ય ઘટક ‘પી.એમ. શૌચાલય યોજના’ (P.M.S.Y.) હેઠળ ગ્રામીણ પરિવારને શૌચાલયની સુવિધા પૂરી પાડવા આર્થિક સહાય આપવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારમાં ઘરે શૌચાલય બનાવવા માટે પાત્રતા ધરાવતા લાભાર્થીઓને વર્તમાનમાં રૂ. ૧૨ હજારની સહાય ચૂકવવામાં આવે છે. જ્યારે બે હજારથી ઓછી વસતી ધરાવતા ગામમાં સામુહિક શૌચાલય માટે ગ્રામ પંચાયતને ૧.૮૦ લાખ, જ્યારે બે હજારથી વધુ વસતી ધરાવતા ગામમાં સામુહિક શૌચાલય માટે રૂ. ત્રણ લાખની સહાય આપવામાં આવે છે. વિશ્વ શૌચાલય દિવસે સ્વચ્છતાનું મહત્ત્વ સમજીને સ્વચ્છતાના સંસ્કાર કેળવીને અન્યોને પણ તેના માટે પ્રેરિત કરીએ એ જ સમયની માંગ છે.

- text