મોરબીના અનોખા પુસ્તક પ્રેમી અશોકભાઈ કૈલા : લોકોને પુસ્તક વંચાવવા પોતાના ખર્ચે લાઈબ્રેરી ઉભી કરી નાખી

આ લાઈબ્રેરીમાં દરરોજ 60 જેટલા લોકો વાંચન અર્થે આવે છે : લાઈબ્રેરીમાં હાલ 1200 જેટલા પુસ્તકો, વાંચકોની માંગણી પ્રમાણે નવા પુસ્તકો પણ આવી જાય છે

મોરબી : પુસ્તકો જિંદગીને જોવાની, સમજવાની અને અનુભવવાની શક્તિ આપે છે. પુસ્તકો માત્ર જીવન કેવી રીતે જીવવું તે જણાવતા નથી, પરંતુ કેટલીકવાર તેઓ વિચાર અને સમજવાની રીતમાં પણ પરિવર્તન લાવે છે. જે લોકોને જીવનમાં આગળ વધીને પ્રગતિ કરવી છે તેઓએ પુસ્તક પ્રેમી જરૂર બનવું જોઈએ. આમ પુસ્તકોનું મહત્વ અનેરૂ છે. ત્યારે મોરબીમાં લોકોને પુસ્તક પ્રત્યે જાગૃતી આવે તેમજ વાંચનપ્રેમીઓની ભૂખ સંતોષાય તે માટે એક સેવાભાવી અગ્રણીએ બીડું ઝડપ્યું છે.

વાત છે અશોકભાઈ કૈલાની, કે જેઓ વ્યવસાયે વીમા એજન્ટ છે. તેઓએ વર્ષો પહેલા એક નીર્ધાર કર્યો હતો કે તેઓએ પોતાની આવકનો 5 ટકા હિસ્સો સેવાકાર્યમાં જ ખર્ચવાનો છે. તેઓની ગુરુ દતાત્રેય મંદિરની સામે ઓફિસ છે. તેની બાજુમાં જ તેઓએ બીજી ઓફિસ લઈ ત્યાં લાઈબ્રેરી શરૂ કરી છે. છેલ્લા 8 વર્ષથી આ લાઈબ્રેરી ધમધમે છે. અહીં 1200 પુસ્તકો છે. અહીં દરરોજ 60 લોકો પુસ્તકો વાંચવા આવે છે. અહીથી કોઈ પણ પ્રકારની ફી લેવાતી નથી. આ લાઈબ્રેરી નિઃશુલ્ક ચાલે છે. ઉપરાંત અશોકભાઈ કૈલા વાંચકોની માંગણી પ્રમાણે જો પુસ્તક ન હોય તો તેની વ્યવસ્થા પણ કરી આપે છે.

વધુમાં અશોકભાઈ કૈલાએ 2008થી સબરસ ગુજરાતી ડોટ કોમ નામની વેબસાઈટ સાહિત્ય માટે બનાવી હતી. તેમાં પુસ્તકો મુકવામાં આવ્યા હતા. જો કે બાદમાં તેઓએ પુસ્તક વસાવવાનું શરૂ કર્યું હતું. અને લાઈબ્રેરી શરૂ કરી હતી. તેઓએ વર્ષ 2020માં નવરંગ નામની સંસ્થા પણ બનાવી હતી. પુસ્તક ઉપરાંત અશોકભાઈ કૈલા સિરામિક ઉદ્યોગોમાં જે મહિલા લેબર છે. તેમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ ફેલાવવાનું પણ કામ કરે છે. જે અંતર્ગત તેઓ દર મહિને 300 સેનેટરી પેડનું વિતરણ કરે છે.


અશોકભાઈને પુસ્તકો પ્રત્યેનો પ્રેમ વારસામાં મળ્યો

અશોકભાઈ કૈલા પોતાના પુસ્તક પ્રેમ વિશે જણાવે છે કે તેઓને પુસ્તકોનો શોખ વારસામાં મળ્યો છે તેઓના દાદાને પણ પુસ્તકો પ્રત્યે ભારે રુચિ હતી. જેથી બાળપણથી જ તેઓ પુસ્તક વાંચતા થયા હતા. જો કે આ શોખ સેવામાં પણ પરિવર્તિત થયો છે. બીજા પુસ્તકપ્રેમીઓ પણ સરળતાથી મનગમતું પુસ્તક વાંચી શકે તે માટે તેઓએ લાઈબ્રેરી શરૂ કરી છે.