- text
આરોપીઓની ડિસ્ચાર્જ અરજી સામે સરકારપક્ષ દ્વારા વાંધા રજૂ કરાશે
મોરબી : મોરબીમાં વર્ષ 2022માં 135 નિર્દોષ લોકોનો ભોગ લેનારી ઝૂલતા પુલ દુર્ઘટનામાં મોરબીની કોર્ટમાં આજે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકાર તરફથી સૂચિત તહોમતનામું રજૂ કરવામાં આવ્યું હતું જેની સાથે સાથે તમામ 10 આરોપીઓએ તેમની સામે લગાવવામાં આવેલ આઇપીસી કલમ 304 અને 308 સહિતની કલમો મુજબ ગુન્હો બનતો ન હોવાનું જણાવી દસેય આરોપીઓએ તેમના ચાર વકીલો મારફતે અલગ -અલગ પાંચ ડિસ્ચાર્જ અરજી કરતા હવે સરકારપક્ષ દ્વારા આ અરજીઓ સામે વાંધા સૂચનો રજૂ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી ઝૂલતાપુલ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા સરકારે ઝૂલતાપુલનું સંચાલન કરનાર અજંતા -ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ, બે મેનેજર સહિત કુલ 10 આરોપીઓ વિરુદ્ધ સાપરાધ મનુષ્યવધ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો, જો કે, તમામ આરોપીઓની ધરપકડ બાદ લાંબો સમય સુધી આરોપીઓ જેલમાં રહ્યા બાદ હાલમાં તમામ આરોપીઓ જેલમુક્ત છે ત્યારે મંગળવારે મોરબી કોર્ટમાં તમામ 10 આરોપીઓ વિરુદ્ધ સરકારપક્ષે સૂચિત તહોમતનામું રજૂ કર્યું હતું.
સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, ઝૂલતાપુલ કેસમાં સૂચિત તહોમતનામું રજૂ કરાયા બાદ હવે નામદાર કોર્ટ તહોમતનામું માન્ય કરે છે કે સુધારા વધારા સૂચવે છે તે બાદ કેસ આગળ ચાલશે, બીજી તરફ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું કે, મંગળવારે તમામ 10 આરોપીઓ વતી તેમના વકીલોએ અલગ -અલગ પાંચ અરજી કરી દસેય આરોપીઓ સામે લગાવવામાં આવેલ આઇપીસી કલમ 304, 308, 336, 337 અને 338 મુદ્દે ડિસ્ચાર્જ અરજી કરી આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304 અને 308 મુજબ ગુન્હો બનતો ન હોવાનું જણાવી ડિસ્ચાર્જ અરજી કરી હતી.
- text
વધુમાં મોરબી કોર્ટમાં આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવતા હવે સરકાર તરફે આરોપીઓની અરજી સામે વાંધા સૂચન રજુ કરવામાં આવશે તેમ સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જણાવ્યું હતું.
આઇપીસી કલમ 304 શું છે ?
ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 304 લગાવવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા મુજબ, જે કોઈ પણ વ્યક્તિ બદ ઈરાદે હત્યા કરે છે, તેને આરોપી માનવામાં આવશે. IPCની કલમ 304A મુજબ, જે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ ઉતાવળ અથવા બેદરકારીના કોઈપણ કૃત્યથી કરે છે જે દોષિત માનવહત્યાનું પ્રમાણ નથી, તે આવા ગુના માટે દોષિત માનવામાં આવશે.
આઇપીસી કલમ 308 શું છે ?
ઝૂલતા પુલ કેસમાં તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 308 લગાવવામાં આવી છે.ત્યારે આઇપીસીની કલમ 308 એટલે જાણીબૂઝીને એવું કૃત્ય કરવું કે જેમાં તે ગુનો કરનારને જાણકારી હોય અને તેમાં સામે- વાળી વ્યક્તિને ઇજા પહોંચે અને જો તેમાં તે વ્યક્તિનું મૃત્યુુ થાય તો આઇપીસી કલમ 308 હેઠળ ગુન્હો દાખલ કરવામાં આવે છે.
- text