મોરબીમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ

- text


બજારભાવ કરતાં ટેકાના ભાવ સારો મળતાં ખેડૂતો ખુશખુશાલ

મોરબીમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજ રોજ માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવાએ આજે ખેડૂતોને મોઢા મીઠા કરાવીને મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આજે પ્રથમ દિવસે ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા. જેમાં ખરીદ કેન્દ્ર ખાતે નિયમ મુજબ ઉતારો તપાસીને ખેડૂતો પાસેથી મગફળી ખરીદવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ તકે માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ મનહરભાઈ બાવરવાએ મોરબી અપડેટ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ભારત સરકારના નિયમ મુજબ પ્રતિ મણના 1356 રૂપિયા લેખે ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવામાં આવી રહી છે. હાલ ઓનલાઈન 700થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે. મોરબી જિલ્લામાં કૂલ 8 હજાર જેટલી ઓનલાઈન અરજી થઈ છે. જેમાં સૌથી વધુ નોંધણી ટંકારા તાલુકામાં થઈ છે. માળિયા તાલુકામાં વાવેતર ઓછું હોય ઓછી અરજી થઈ છે. મોરબી જિલ્લામાં કૂલ 3 ખરીદ કેન્દ્રો ખોલાવામાં આવ્યા છે જેમાં ટંકારા, હળવદ અને મોરબી માર્કેટિંગ યાર્ડમાં ખરીદ કેન્દ્ર ચાલું છે. આજે પ્રથમ દિવસે 20 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી 9 ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા હતા. જે ખેડૂતો નથી પહોંચ્યા તેઓને શનિવારે ફરીથી બોલાવવામાં આવશે.

ખાનપરથી મગફળી વેચવા આવેલા ખેડૂત સુરેશભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે, હાલ બજારભાવ ઓછા છે. માર્કેટિંગ યાર્ડમાં હરરાજીમાં સારી ક્વોલિટીની મગફળીના 1200 રૂપિયા જેટલો ભાવ મળે છે જ્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1356 રૂપિયા જેટલો ભાવ આપવામાં આવી રહ્યો છે જે ખેડૂતો માટે સારી વાત છે.

- text

માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘના મેનેજર ઉત્સવભાઈએ કહ્યું હતું કે, મોરબી, માળિયા અને વાંકાનેર ત્રણ તાલુકાના મોરબી સેન્ટર પર 703 જેટલા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ગુજકોમાસોલ મોરબીના અધિકારી મિતુલભાઈ ભાગીયાએ જણાવ્યું હતું કે, હાલ સેન્ટર પર એક દિવસમાં 50 ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ધીમે-ધીમે વધારો કરી 100 જેટલા ખેડૂતોને બોલાવવામાં આવશે. ટંકારા તાલુકાના પણ 1500 જેટલા ખેડૂતોને મોરબી કેન્દ્ર પર બોલાવવામાં આવશે. સરકારના નિયમ પ્રમાણે 11 નવેમ્બરથી 90 દિવસ સુધી ખરીદી ચાલુ રાખી શકાશે.

- text