- text
રોડ બનાવનાર એજન્સીએ બિલ મંજુર થયાના 15 દિવસમાં કામ શરૂ કરવાની બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો
મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર પાંચ કલાક બાદ અંતે ચક્કાજામ દૂર થયો છે. રોડ એજન્સીએ બિલ મંજુર થયાના 15 દિવસમાં કામ શરૂ કરવાની બાહેંધરી આપતા આ મામલો થાળે પડ્યો છે.
મોરબીના પંચાસર રોડ પર આવેલા શ્યામ-1 અન શ્યામ-2 સોસાયટીમાં રોડના અધુરા કામ બાબતે આજે સ્થાનિકોએ રોડ પર ઉતરીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા 9 મહિનાથી રોડનું કામ બંધ હાલતમાં છે. સ્થાનિકોએ સવારે અંદાજે 10:30 વાગ્યાથી રોડ ઉપર ચક્કાજામ શરૂ કર્યો હતો. જે પાંચ કલાક બાદ દૂર કરવામાં આવ્યો છે.
રોડ બનાવનાર બજરંગ અર્થ મુવર્સ નામની એજન્સીએ બિલ મંજુર થયાના 15 દિવસમાં રોડ બનાવવાની શરૂઆત કરવાની લેખિત બાહેંધરી આપતા મામલો થાળે પડ્યો છે. ઉલ્લેખનીય છે કે ચક્કાજામ દરમિયાન રોડ પર જ પુરુષો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોએ જમણવાર કર્યો હતો. વધુમાં તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે કે જો બાહેંધરીના દિવસો મુજબ કામ શરૂ નહિ થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
- text
- text