મોરબીમાં યુવાન પાસેથી રૂ.5.46 લાખ રોકડા, બુલેટ અને આઈફોન પડાવી લેનાર 3ની ધરપકડ

- text


ત્રણેય શખ્સો પાસેથી 4.86 લાખની રોકડ અને અન્ય વસ્તુઓ કબ્જે કરાઈ, અન્ય એક શખ્સનું નામ ખુલતા તપાસ હાથ ધરાઈ

મોરબી : મોરબીમાં યુવાનને માર મારી લાખો રૂપિયાની વસ્તુઓ અને રોકડ પડાવી લેવાના પ્રકરણમાં પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રિકવરી પણ કરી છે. આ સાથે અન્ય એક શખ્સનું નામ ખુલતા તેની સામે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના દલવાડી સર્કલ નજીક ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા અને સુપર માર્કેટમાં કટપીસનો ધંધો કરતા દેવ ચેતનભાઈ સોરીયા નામના યુવાનને ત્રણેક મહિના પૂર્વે શનાળા ગામે રહેતા વિશાલ વેલાભાઈ રબારી નામના શખ્સ સાથે મિત્રતા થયા બાદ આરોપી વિશાલ રબારી અને અન્ય બે શખ્સોએ છેલ્લા ત્રણ મહિનામાં દેવ સોરીયા અને તેના પરિવારનું જીવવું હરામ કરી દઈ કોઈપણ લેતી દેતી થઈ ન હોવા છતાં માર મારી ધમકીઓ આપી રૂ.5.46 લાખ રોકડા, બુલેટ અને આઈફોન પડાવી લીધા હતા.

- text

આ પ્રકરણની વિગતો આપતા ડીવાયએસપી પી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે એ ડિવિઝન પોલીસે વિશાલ રબારી, સાહિદ અક્રમ કાદરી અને સિદ્ધરાજસિંહ જાડેજાને પકડી પાડી રૂ. 4.86 લાખ રોકડા, બુલેટ અને આઈફોન કબ્જે કર્યા છે. હાલ ત્રણેય આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા છે. અન્ય એક શખ્સનું નામ ખુલ્યું છે. જેની તપાસ ચાલી રહી છે.

- text