- text
તાંત્રિક વિધિના બહાને શખ્સે 12 લોકોને ઠગ્યા હોવાનું ખુલ્યું, આ શખ્સ બીજાને ઘરેણાં આપી પોતે રોકડા નાણા લઈ લેતો હતો, ઘરેણાં સાચવનાર પાસેથી રૂ.4.40 લાખના ઘરેણાં કબ્જે કરાયા
મોરબી : મોરબીના શકત શનાળા ગામે એક વ્યક્તિ સાથે તાંત્રીક વિધિ કરવાના બહાના હેઠળ છેતરપીંડી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ત્યારબાદ પોલીસે તેના દાગીના સાચવનાર શખ્સની પણ અટકાયત કરી રૂ.4.66 લાખના સોનાના દાગીના કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત તા.18 ઓક્ટોબરના રોજ શકત શનાળા ગામ ખાતે રહેતા ભરતભાઈ નરશીભાઈ સનારીયાએ ફરીયાદ નોંધાવી હતી કે આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઈ રહે.શનાળા ગામ રામજી મંદીર પાસે વાળાએ ધંધો- રોજગાર બરાબર ચાલશે તેમ કહીને વિશ્વાસ કેળવી વિધી કરવાના બહાને સોનાના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.3.30 લાખની છેતરપીંડી કરી હતી. જેના આધારે મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
- text
પોલીસે ગત તા.15ના રોજ આરોપી નિલેશગીરી ઉર્ફે નલીનગીરી મોતીગીરી ગોસાઇને પકડી પાડ્યો હતો. આ આરોપીએ ફરીયાદી સહીત કુલ 12 જેટલા લોકોને પોતાના વાતોમાં ફસાવી વિધી કરવાના બહાના હેઠળ વિશ્વાસ કેળવી અલગ અલગ સોનાના દાગીનાઓ તથા રોકડ રકમ મેળવેલ હોવાની કબુલાત આપી છે. અને તે સોનાના દાગીના મેળવી પોતે શકત શનાળા ગામ રહેતા ચંન્દ્રસિંહ બટુકભા ઝાલાને અડાણે આપી તેના રૂપીયા મેળવી તે રૂપીયા વાપરી નાખતો હતો. તેવી કબુલાત આપી છે.જેથી પોલીસે આરોપી ચંદ્રસિંહ બટુકભા ઝાલા ઉ.વ.43 રહે.દરબાર ગઢ, શક્ત શનાળા મોરબી વાળાની પણ અટકાયત કરી રૂ. 4.66 લાખના દાગીના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text