- text
નાની વાવડીથી ભક્તિનગર સોસાયટી સુધીનો રોડ બનાવવા નેતાઓએ માત્ર વાયદા જ આપ્યાના આક્ષેપ : 3 મહિનામાં પ્રશ્ન નહિ ઉકેલાય તો આંદોલનની ચીમકી
મોરબી : મોરબીના નાની વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર સોસાયટીના રહીશોએ રોડના પ્રશ્ને આજે ધારાસભ્યની ઓફિસે મોરચો માંડ્યો હતો. આ સાથે સ્થાનિકોએ ત્રણ મહિનાનું અલ્ટીમેટમ આપીને આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી.
શહેરના નાની વાવડી રોડ ઉપર આવેલ ભક્તિનગર 1 સોસાયટીના સ્થાનિક બહેનોએ જણાવ્યું કે આજથી 8 મહિના પહેલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા અને સરપંચને નાની વાવડી રોડથી સોસાયટી સુધી રોડ બનાવવા રજુઆત કરી હતી. ત્યારે તેઓએ 6 મહિનામાં રોડ બની જશે તેવું જણાવ્યુ હતું. પણ હજુ સુધી આ રોડ બન્યો નથી. સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ પણ સ્થાનિકોએ પોતાના ખર્ચે નખાવી છે.
20 વર્ષથી સોસાયટી બની છે. તે વખતનો આ રોડનો પ્રશ્ન છે. આજે સ્થાનિક મહિલાઓ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ઓફિસે ગયા હતા. ત્યારે ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે તમારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા છે. જેથી મહિલાઓ તેમની ઓફિસે પહોંચી હતી. જ્યાં ધારાસભ્ય હાજર ન હતા. અહીં તેઓએ ફરિયાદ લખાવી હતી. હવે જો ત્રણ મહિનામાં આ રોડનો પ્રશ્ન ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે. બહેનો દ્વારા નાની વાવડી રોડ બ્લોક પણ કરી દેવામાં આવશે.
- text
- text