ખાખરેચી ગામે ખેડૂતોનો સતત બીજે દિવસે વિરોધ : પોલીસ સાથે ચકમક

- text


 

પંચરોજ કામ વગર જ ગઈકાલથી ખાડા ખોદવાનું શરૂ કરી દીધું હોવાથી કંપની સામે પોલીસ ફરિયાદ લેવાની ખેડૂતોની માંગ : ફરિયાદ સીધી કોર્ટમાં કરો, પોલીસનો વળતો જવાબ

મોરબી : માળિયા મિયાણાના ખાખરેચી ગામે વીજલાઈન નાખવા મુદ્દે ખેડૂતોએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો છે. આજે પણ સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. બીજી તરફ પંચરોજ કામ વગર કંપનીએ કામ શરૂ કરી દીધું હોય ખેડૂતોએ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેવાની માંગ પણ કરી છે.

માળીયા મીયાણાના ખાખરેચી ગામમાં પ્રાઇવેટ વીજ કંપનીના અધિકારીઓએ ખેડૂતોનો વિરોધ હોવા છતાં પોલીસના જોરે બળજબરીથી ગઈકાલથી કામ ચાલુ કર્યું છે. ગઈકાલે વિરોધ બાદ આજે પણ ખેડૂતોએ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે. આજે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચે ચકમક ઝરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે મામલતદાર કે નાયબ મામલતદાર દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું નથી. તેમ છતાં કંપનીએ ગઈકાલથી કામ શરૂ કરી દિધુ છે.

વળતા જવાબમાં પોલીસે કહ્યું કે મામલતદાર થોડી વારમાં આવશે. એ જે કહે તે પ્રમાણે થશે. ખેડૂતોએ કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ લેવાનો આગ્રહ કર્યો તો પોલીસ દ્વારા સીધી કોર્ટમાં જ ફરિયાદ કરવાનું કહેવામાં આવ્યું હતું. બીજી તરફ ખેડૂતોએ જણાવ્યું કે કંપની દ્વારા શરતોનું ઉલ્લંઘન કરી સાવ ઓછું વળતર આપવાના પ્રયાસો થઈ રહ્યા છે. પણ જ્યાં સુધી પૂરું સંતોષકારક વળતર નહિ મળે ત્યાં સુધી વિરોધ યથાવત જ રહેશે.

- text

- text