આવ્યો માનો રૂડો અવસર : ઉમા સંસ્કારધામમાં ઉમિયા માતાજીના મંદિર અને 7 ભવનોનું લોકાર્પણ

- text


 

ત્રિ-દિવસીય મહોત્સવ ધામધૂમથી સંપન્ન : રૂ.51 હજારથી રૂ.1 કરોડ સુધીનું દાન આપનારા 451 દાતાઓનું સન્માન : ઉમા આદર્શ લગ્ન હોલ ખુલ્લો મુકાયો, જેમાં રૂ.5100માં લગ્નનું આયોજન કરી અપાશે

મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત લજાઈ ખાતેના ઉમા સંસ્કારધામમાં આવ્યો માનો રૂડો અવસર ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો. જેમાં નવનિર્મિત ઉમિયા માતાજીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, ઉમા સમાજવાડી યુનિટ-1, યુનિટ-2, ઉમા દર્શ લગ્ન હોલ, ઉમા અતિથિ ભવન અને ઉમા રંગભવન તેમજ અમદાવાદ ખાતે નવનિર્મિત ઉમા વિદ્યાર્થી ભવન સહિતના લોકાર્પણ કાર્યક્રમ, સન્માન કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.

આ તમામ ભવનો અને મંદિર અંદાજે રૂ.20 કરોડના ખર્ચે 20 વિઘા જમીનમાં બનાવવામાં આવ્યા છે. ત્રણ દિવસ દરમિયાન આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. આ ત્રણ દિવસ દરમિયાન રૂ.51 હજારથી રૂ.1 કરોડ સુધીનું અનુદાન આપનારા 451 જેટલા દાતાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

અંતિમ દિવસે સામાજિક સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સરસ્વતી નિકેતન આશ્રમ- જોધપરના ભાણદેવજી, કબીર ધામ- વાવડીના શિવરામદાસજી, નકલંક ધામ- બગથળાના દામજીભગત સહિતના સંતો તેમજ સાંસદ પરસોત્તમ રૂપાલા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઇ કુંડારીયા તેમજ જયંતીભાઈ પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સિરામિક એસોસિએશનના પ્રમુખો અને જયસુખભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા.

વધુમાં આદર્શ ઉમા લગ્ન હોલ બનાવવામાં આવ્યો છે. તેમાં કડવા પાટીદાર સમાજના વર અને કન્યા પક્ષ પાસેથી માત્ર 5100-5100 રૂપિયા લઈ લગ્ન કરાવી આપવામાં આવશે. જેમાં સમાજ તરફથી જમણવાર, કંકોત્રી, વિધિ, હોલનું ભાડું, કરિયાવર સહિતનો તમામ ખર્ચ આપવામાં આવશે. આ આદર્શ ઉમા લગ્નમાં જોડાનાર દીકરીને ઓછામાં ઓછો 65 હજારનો કરિયાવર પણ સમાજ તરફથી આપવામાં આવશે.


પાટીદાર સમાજનો 1300 વર્ષ જૂનો ઇતિહાસ : દામજી ભગત

નકલંકધામ- બગથળાના દામજીભગતે જણાવ્યું કે પાટીદાર સમાજનો 1300 વર્ષ પૂર્વે અફઘાનિસ્તાનથી નીકળી પંજાબ તરફ આવ્યા હતા. ત્યારથી બધું છોડી ગુજરાત આવ્યા. માત્ર માતાજીને સાથે લઈ આવ્યા હતા. આજે માતાજીના આશીર્વાદથી સમાજે હરણફાળ ભરી છે.


ઇન્દ્રદેવને દેવોના રાજા મા ઉમિયાએ બનાવ્યા હતા : ભાણદેવજી

સરસ્વતી નિકેતન આશ્રમ- જોધપરના ભાણદેવજીએ જણાવ્યું કે ભગવતી ઉમાના નામનો ઉલ્લેખ ઉપનિષદમાં છે. તેઓએ એક કથા સંભળાવતા કહ્યું કે ઇન્દ્રદેવને દેવોના રાજા મા ઉમિયાએ બનાવ્યા હતા. પરમાત્માના કરોડો નામો છે. તેમાં એક નામ ઉમાસહસ્ત્ર પણ છે.


દાતાઓએ ઘણું આપે છે છતાં અહંકાર નથી તે મોટી વાત : શિવરામદાસજી

કબીરધામ- વાવડીના શિવરામદાસજીએ જણાવ્યું કે પાટીદાર સમાજમાં સૌએ ખૂબ દાન આપ્યું છે. છતાંય આપ્યા પછી ક્યારેય અહંકાર આવ્યો નથી. તે ખૂબ મોટી વાત છે. આ પરમાત્માની કૃપા છે કે ક્યારેય સમાજના આગેવાનોએ જે આપ્યું છે તેનું કઈ ગુમાન કર્યું નથી.


પાટીદાર સમાજમાં મોરબી સૌથી શિરમોર : જેરામભાઈ વાંસજાળીયા

ઉમિયા માતાજી મંદિર-સિદસરના જેરામભાઈ વાંસજાળીયાએ જણાવ્યું કે પાટીદાર સમાજમાં મોરબી એટલે શિરમોર. આ સમાજમાં 100 વર્ષ પહેલા શિક્ષણની શરૂઆત થઈ. સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ પાટીદાર બોર્ડિંગ મોરબીમાં બની હતી. તે સમયે શિક્ષણની જ્યોત પ્રગટી હતી એટલે સમાજ આજે આ સ્ટેજે પહોંચ્યો છે.

- text


- text