- text
આ દિવસે સૌથી વધુ ભવ્યતા શિવજીની નગરી કાશીમાં હોય છે
મોરબી : આમ તો દિવાળીનું પર્વ ધનતેરસથી શરુ થાય છે અને ભાઈબીજે પૂરું થયું માનવામાં આવે છે, પરંતુ દિવાળીના 15 દિવસ બાદ દેવ દિવાળી ઉજવવામાં આવે છે અને ત્યારબાદ જ દિવાળીનો તહેવાર પૂરો થયો માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવદિવાળીનું વિશેષ મહત્ત્વ છે. કારતક સુદ પૂર્ણિમાએ દેવદિવાળીનો આ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે દેવ દીવાળીનો તહેવાર 15 નવેમ્બરે છે.
પૌરાણિક માન્યતાઓ અનુસાર કાર્તિક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે દેવતાઓને ત્રિપુરાસુર નામના રાક્ષસના આતંકમાંથી મુક્ત કર્યા હતા. દેવતાઓએ વૈકુંઠલોકમાં દીવા પ્રગટાવીને રાક્ષસ ત્રિપુરાસુરના વિનાશની ઉજવણી કરી હતી. તેથી, આ તહેવાર દેવ દિવાળી કહેવાય છે. આ દિવસે સૌથી વધુ ભવ્યતા ભગવાન શિવની નગરી કાશીમાં હોય છે. આ ઉપરાંત, હરિદ્વાર અને પ્રયાગરાજમાં પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે દીવાનું દાન કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે.
*દેવ દિવાળીની કથા*
પૌરાણિક માન્યતા અનુસાર, ત્રિપુરાસુર નામના શક્તિશાળી દાનવે પોતાનામાં રહેલી શક્તિઓને વધારવા તેમજ તેને કોઈ દેવ, દાનવ, ઋષિ કે માનવ પરાજિત ન કરી શકે તે માટે બ્રહ્માજીની આરાધના કરી. તેની તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને તેને વરદાન આપ્યું. વરદાન મળતા દેવતાઓને હેરાન કરવા ત્રિપુરાસુર નામના રાક્ષસે સ્વર્ગ પર કબજો જમાવ્યો. આથી તેના આતંકથી પરેશાન થઈને દેવો મદદ માંગવા મહાદેવ પાસે ગયા.
- text
શિવજીએ દેવોની પ્રાર્થના સાંભળી ત્રિપુરાસુર સાથે યુધ્ધ કર્યું અને કારતક સુદ પૂનમના દિવસે ત્રિપુરાસુર નામના અસુરનો વધ કર્યો. ત્રિપુરાસુરના વધથી બધા દેવી-દેવતાઓ ખુશ થયા અને કાશીમાં આવીને દીવા પ્રગટાવીને ઉજવણી કરી. શિવજીના વિજયનો જયઘોષ પણ થયો.
તેથી, કાશીમાં દર વર્ષે, કારતક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, દિવાળીના દિવસે ગંગા સ્નાન કર્યા પછી એક દીવો દાન કરવાથી વ્યક્તિની મનોકામના પૂરી થાય છે. આથી, આ દિવસે દીપ દાનનું વિશેષ મહત્ત્વ છે.
- text