મોરબીની સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે ત્રિ-દિવસીય સ્કિલ ડેવલપમેન્ટ વર્કશોપનું આયોજન

- text


એલઈ કોલેજ ખાતે ચાલી રહેલા વર્કશોપમાં 88 જેટલા બાળકોએ ભાગ લીધો

મોરબી : જિલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લાની સરકારી શાળામાં ધોરણ 6થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જિલ્લા કક્ષાએ એલ. ઈ. કોલેજ મોરબી ખાતે તારીખ 12, 13 અને 14 નવેમ્બર એમ ત્રિ- દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા કુલ 88 વિધાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં વિદ્યાર્થીઓને ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં નિષ્ણાત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ સમગ્ર શિક્ષા મોરબીના મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર પ્રવીણભાઈ ભોરણીયાએ જણાવ્યું હતું કે, બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓમાં રસ લેતા થાય, તેમનામાં રહેલી સ્કીલ ડેવલપ થાય તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરાયું છે. ત્રિદિવસીય વર્કશોપમાં 88 જેટલા બાળકોએ ભાગ લીધો છે. જેમાં કાવ્યલેખન, ચિત્ર સ્પર્ધા અને ચેસ સહિતની જુદી જુદી ઈવેન્ટમાં બાળકોએ ભાગ લીધો છે. વર્કશોપના અંતિમ દિવસે એટલે કે 14 નવેમ્બરના રોજ મોરબી જિલ્લાના ધોરણ 6 થી 8ના સરકારી શાળાના વિદ્યાર્થીઓ ભાગ લે તેવી અપીલ કરવામાં આવે છે.

આ વર્કશોપમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, જિલ્લા વિકાસ અધિકારી જે. એસ. પ્રજાપતિ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન. એ. મહેતાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓએ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આવતીકાલે 14 નવેમ્બર 2024 ના રોજ પણ આ વર્કશોપ સરકારી શાળાના ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે શરૂ છે. જેમાં વધુને વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવો અનુરોધ કરાયો છે. સમગ્ર વર્કશોપનું આયોજન સમગ્ર શિક્ષાના મદદનીશ જિલ્લા કો.ઓ પ્રવિણ ભોરણીયા અને તેમની ટીમ સીઆરસી /બીઆરસી કો.ઓએ કર્યું છે.

- text

- text