- text
લુણસરના ધોળાકુવા જંગલ વિસ્તારમાં ખનીજ ચોરીનું વાહન અટકાવતા ફરજમાં રુકાવટ, આઈવા લઈ આરોપીઓ નાસી ગયા
વાંકાનેર : વાંકાનેર પંથકમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ હવે હદ વટાવી રહ્યા હોય તેવી એક ઘટનામાં વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં જંગલ વિસ્તારમાં સેન્ડ સ્ટોનની ખનીજ ચોરી કરી રહેલા ખનીજ ચોરોને અટકાવતા ખનીજ માફિયાઓએ રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાનથી મારી નાખવા ધમકી આપી વન રક્ષકે અટકાવેલ આઈવા ડમ્પર લઈને નાસી જતા બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.
- text
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં ધોળા કુવા વિસ્તારમાં જંગલ વિસ્તારની બોર્ડરમાં સેન્ડ સ્ટોન ખનિજની ચોરી થતી હોય વિડી જાંબુડિયા ફોરેસ્ટ કવાટર્સમાં રહેતા વનરક્ષક મુકેશભાઈ હીરાભાઈ સોલંકીએ ખનીજ ચોરી કરતા તત્વોને ટપારી ખનીજ ભરેલ આઈવા ડમ્પર અટકાવ્યું હતું. જો કે, ચોરી ઉપર સે સીના જોરી કરતા તત્વો લાજવાને બદલે ગાજી આઈવા ડમ્પર લઈને નાસી ગયા હતા. બાદમાં ખનીજ ચોરી કરતા આરોપી રમેશ જાલાભાઈ ગમારા અને બાઈક નંબર જીજે – 36 – એએન – 2664ના ચાલકે વાંકાનેર રેન્જ ફોરેસ્ટ ઓફિસર રાહુલ વાંક તેમજ વન રક્ષક મુકેશભાઈને જાનથી મારી નાખવા ધમકી આપતા આ ચકચારી ઘટનામાં ફરજમાં રુકાવટ કરી જાનથી મારી નાખવા ધમકી આપી નાસી જનાર આઈવા ડમ્પરના ચાલક સહિત ત્રણ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે કે, આ ચકચારી બનાવ બાદ મોરબી ખાણ ખનીજ વિભાગે ગતરાત્રીના ખનીજ ચોરી મામલે આરોપી રમેશ ગમારા સહિતના વિરુદ્ધ ખનીજ ચોરી અંગે કાર્યવાહી કરી એક્સકવેટર મશીન પણ કબ્જે કર્યું હતું.
- text