- text
મોરબી જિલ્લાના દિવ્યાંગોને એસ.ટી.બસમાં મફત મુસાફરી માટેની સહાયનો લાભ મળવાપાત્ર
મોરબી : રાજ્ય સરકારના માર્ગદર્શન તળે સંચાલિત સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા દિવ્યાંગ નાગરિકો માટે વિવિધ પ્રકારની સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. શું છે આ યોજના અને કોને અને કેવી રીતે મેળવી શકાય છે લાભ તે વિશે વિગતે જાણીએ.
આ યોજનાનો લાભ કોને- કોને મળી શકે ??
દિવ્યાંગ વ્યકિત કે જેઓ 40 % કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા હોય. 80 % થી વધુ મુકબધિરપણું ધરાવતી વ્યક્તિ. 80 % થી વધુ દ્રષ્ટિવિષયક વિકલાંગતા ધરાવતી વ્યકિત. 70 % કે તેથી ઓછો બુદ્ધિઆંક ધરાવતી મંદબુધ્ધિવાળી વ્યક્તિ. એવા દિવ્યાંગ નાગરિકો કે જેઓ ગુજરાત રાજયમાં કાયમી વસવાટ કરતા હોય.
આ યોજના હેઠળ કયા- કયા પ્રકારના લાભ મળી શકે ??
દિવ્યાંગ વ્યક્તિને રાજ્ય સરકારના એસ.ટી.નિગમની ગુર્જર નગરી, લકઝરી અને વોલ્વો સહિત તમામ પ્રકારની બસમાં ગુજરાતની હદમાં વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળી શકે છે. 21 પ્રકારની વિવિધ વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો આ યોજનાનો લાભ મેળવી શકે છે.
અરજીપત્રક સાથે જોડવાના પુરાવાની યાદી
જે- તે વિભાગના નિષ્ણાંત તબીબ કે સિવિલ સર્જનનું વિકલાંગતાની ટકાવારી અને આઈ.કયુ. દર્શાવતા તબીબી પ્રમાણપત્રની પ્રમાણિત નકલ. 2 નંગ પોસ્ટકાર્ડ સાઈઝના ફોટોઝ. આધારકાર્ડ, ચુંટણીકાર્ડ અને રેશનકાર્ડની પ્રમાણિત નકલ. ઉંમરનો આધાર કે જન્મ તારીખનો દાખલો કે શાળા છોડયાનું પ્રમાણપત્ર. બ્લડ ગ્રુપનો દાખલો સામેલ રાખવો.
- text
આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે તમારી નજીકના જનસેવા કેન્દ્ર, ગ્રામ પંચાયતનો સંપર્ક સાધી શકાશે. તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, ભોંયતળિયે, રૂમ નંબર 5 થી 9, સો- ઓરડી વિસ્તાર, શોભેશ્વર રોડ- મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાય છે. તેમજ અત્રેની કચેરીના ફોન નંબર 02822-242533 પરથી માહિતી મેળવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ પાસ જનરેટ થઈ ગયા બાદ લાભાર્થીને અત્રેની કચેરી દ્વારા સામેથી જાણ કરવામાં આવે છે. હાલમાં esamajkalyan.gujarat.gov.in આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકાય છે. ઓનલાઈન અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ નકલ સાચવી રાખવી જોઈએ. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં ૫૭૦૦ થી વધુ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળ્યો છે. તેમજ વર્ષ 2024 દરમિયાન 400 થી વધુ લાભાર્થીઓને ઉક્ત યોજનાનો લાભ મળ્યો છે.
- text