- text
ટંકારામાં ખરીદ સેન્ટર જ ફાઇનલ નથી થયું : મજૂરો પણ ન મળ્યા હોય બે દિવસમાં ખરીદી શરુ થશે
મોરબી : મોરબી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે સૌથી વધુ ખેડૂતો જ્યાં નોંધાયેલ છે તેવા ટંકારા તાલુકામાં અને મોરબી તાલુકામાં જુદા-જુદા કારણોસર સોમવારથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ શકી ન હતી. ટંકારામાં હજુ સુધી ખરીદ કેન્દ્ર નક્કી નથી થયું સાથે જ ટંકારા અને મોરબીમાં મજૂરોના અભાવે ટેકાના ભાવની ખરીદીનો પ્રારંભ ન થતા ખેડૂતોને ઝટકો લાગ્યો છે.
સમગ્ર રાજ્યમાં સરકાર દ્વારા સોમવારથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો શુભારંભ કર્યો છે પરંતુ મોરબી જિલ્લામાં મોરબી અને ટંકારા તાલુકામાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થઇ શક્યો નથી, તંત્ર વાહકોના જણાવ્યા મુજબ ટંકારા તાલુકા માટે હજુ સત્તાવાર ખરીદી કેન્દ્ર નક્કી નથી થયું સાથે જ ટંકારા અને મોરબી સેન્ટર માટે મજૂરો પણ હજુ આવ્યા ન હોવાથી આગામી એકાદ બે દિવસમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થશે.ઉલ્લખનીય છે કે, રાજ્યમાં સોમવારથી વિવિધ 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઇ છે પરંતુ મોરબી અને ટંકારામાં તંત્રના આયોજનના અભાવે ખરીદી શરૂ થઇ ન હતી.
- text
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં 8300થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં મોરબી તાલુકામાં 543થી વધુ તેમજ ટંકારા તાલુકામાં 5388 કરતા વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે ત્યારે ગુજકોમાસોલના આગોતરા આયોજનના અભાવે મોરબી અને ટંકારા તાલુકામાં મગફળીની ખરીદી શરૂ ન થતા ખેડૂતોમાં દેકારો બોલી ગયો હતો.
- text