વિષ્ણુએ જલંધરનું રુપ ધારણ કરીને વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ક્ષીણ થવા લાગી : જાણો.. તુલસી વિવાહની કથા
મોરબી : શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન યોગનિંદ્રામાં હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી, આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે.
પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા. તેથી, ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે.
તુલસીનું મહત્વ
– આમ તો તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે.
– પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં.
– સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
– તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે.
– તુલસીના પાનનો અર્ક કેટલીય બીમારી દૂર કરે છે.
તુલસી વિવાહ કથા
પૌરાણિક કથાઓ અનુસાર, જલંધર નામના શક્તિશાળી અસુરનો વિવાહ વૃંદા નામની એક કન્યા સાથે થયો હતો. વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. વૃંદાની ભક્તિ અને સતીત્વના બળના લીધે જલંધર અજેય બની ગયો. દેવતા તેનાથી કંટાળી ચૂક્યા હતા. એકવાર તેણે પાર્વતી માતા પર કુદૃષ્ટિ નાખી તો ત્રિદેવોએ તેના વધની યોજના બનાવી. ભગવાન શિવે તેની સાથે યુદ્ધ કર્યુ, જેમાં તેઓ હારી ગયા.
દેવતા દુ:ખી થઈને ભગવાન વિષ્ણુની શરણમાં પહોંચ્યા. વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું રુપ ધારણ કરી લીધુ. ત્યારબાદ તેમણે વૃંદાના સતીત્વને ભંગ કરી નાખ્યું તો જલંધરની શક્તિ ધીરે-ધીરે ક્ષીણ થવા લાગી અને તે દેવતાઓ સાથેના યુદ્ધમાં મૃત્યુ પામ્યો. ત્યાં સુધી વૃંદા વિષ્ણુ ભગવાનના છળને સમજી ચૂકી હતી.
પતિના મોતથી દુ:ખી વૃંદાએ ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપી દીધો. જો કે દેવતાઓની વિનંતી અને માતા લક્ષ્મીની હાલત જોઈને વૃંદાએ પોતાનો શ્રાપ પાછો લઈ લીધો. પરંતુ ભગવાન વિષ્ણુ તેમના કર્યાનું પ્રાયશ્ચિત કરવા માગતા હતા. તેમણે વૃંદાના શ્રાપને જીવિત રાખવા માટે પોતાની જાતને એક શાલિગ્રામ સ્વરુપમાં પ્રકટ કરી.
દુ:ખી વૃંદા પોતાના પતિ જલંધરની સાથે જ સતી થઈ ગઈ. વૃંદાની રાખથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વૃંદાનું માન જાળવવા માટે દેવતાઓએ શાલિગ્રામ રુપી વિષ્ણુ ભગવાનનો વિવાહ તુલસી સાથે કરાવ્યો. ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે, ‘આવતા જન્મમાં તમે એક છોડ સ્વરુપે પ્રકટ થશો. જેનું નામ હશે તુલસી. હું તમારી વગર કોઈ જ પ્રકારનું ભોજન પણ નહીં કરું.’ તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં તુલસી હોવી અનિવાર્ય છે.