નવું વર્ષ શુકનવંતુ : સિરામિક ઉદ્યોગમાં ફરી તેજીનો સંચાર 

- text


સિરામિક ઇન્ડસ્ટ્રીઝને પોર્સલીને પોષણ આપ્યું, જીવીટી ટાઇલ્સે જીવતદાન આપ્યું : જન્માષ્ટમીએ 200થી વધુ કારખાનામાં શટડાઉન બાદ ફરી સિરામિક કારખાનાઓ ધમધમવા લાગ્યા 

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા સીરામીક ક્લસ્ટર મોરબીમાં જન્માષ્ટમી સમયે જ મંદીના વાદળો ઘેરાતા 200 જેટલા સીરામીક એકમોએ સ્વૈચ્છીક શટડાઉન કર્યા બાદ વિક્રમ સંવતનું નવું વર્ષ મોરબીના સીરામીક ઉદ્યોગ માટે સારા શુકન લાવ્યું હોય તેમ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ માર્કેટમાંથી ડિમાન્ડ નીકળતા હાલમાં ફરી તમામ કારખાનાઓ ધમધમતા થયા છે.સીરામીક ક્ષેત્રે સંકળાયેલ લોકોના મતે હાલમાં સીરામીક ઇન્ડસ્ટ્રીઝને પોર્સલીન ટાઇલ્સે પોષણ આપ્યું છે અને જીવીટી ટાઇલ્સે જીવતદાન આપ્યું હોય તેમ ઉદ્યોગને હાલમાં રાહત મળી છે.

દેશની સ્થાનિક માર્કેટમાં મંદીની સાથે સાથે ઇન્ટરનેશનલ માર્કેટમાં કન્ટેનર ભાડામાં વધારાને કારણે મોરબી જિલ્લામાં આવેલ 800 જેટલા સીરામીક એકમો ઉપર મંદીના વાદળો છવાતા જન્માષ્ટમી સમયે જ સીરામીક ઉદ્યોગકારોએ માલનો ભરાવો રોકવા માટે સ્વૈચ્છિક રીતે શટડાઉન કરવા નિર્ણય કર્યો હતો અને 200 જેટલા કારખાનાઓમાં ક્રમશ ઉત્પાદન કાર્ય ઠપ્પ કરવામાં આવ્યું હતું. જો કે, દિવાળી બાદ મોરબીના સીરામીક ઉદ્યોગમાં ફરી અગાઉ જેવી તેજીનો સંચાર થતા હાલમાં તમામ એકમો ફરી ધમધમતા થયા હોવાનું મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં જન્માષ્ટમી સમયે જ એક સાથે 200 જેટલા એકમોમાં ઉત્પાદનકાર્ય ઠપ્પ થઇ જતા મોરબીમાં ગુજરાત ગેસના પાઈપલાઈન ગેસની ખપત તળિયે બેસી ગઇ હતી એ જ રીતે એલપીજી અને પ્રોપેન ગેસની ડિમાન્ડ પણ તળિયે બેસી ગઈ હતી. એક તબક્કે દૈનિક 70 લાખ ક્યુબિક મીટર સુધી વપરાતો ગેસ કારખાના બંધ થતા 40થી 45 લાખ ક્યુબિક મીટર પ્રતિ દિવસ થઇ ગયો હતો.

ગેસનો વપરાશ દૈનિક 62 લાખ ક્યુબિક મીટરે પહોંચ્યો 

મોરબી જિલ્લામાં આવેલા 800 જેટલા સીરામીક કારખાના ફરી રાબેતા મુજબ ધમધમતા થતા હાલમાં સીરામીક એકમોમાં ગેસનો વપરાશ વધી જવા પામ્યો છે. સીરામીક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે ગુજરાત ગેસનો દૈનિક 31 લાખ ક્યુબિક મીટર અને એલપીજી – પ્રોપેન ગેસનો પણ 31 લાખ જેટલો દૈનિક વપરાશ થઇ રહ્યો છે.

જીવીટી અને પોર્સલીન ટાઈલ્સમાં તેજી 

મોરબી સીરામીક એસોસિએશન પ્રમુખ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે, ડોમેસ્ટિક માર્કેટમાં ડિમાન્ડ તળીએ બેસી જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કન્ટેનર ભાડામાં વધારાને કારણે બે ત્રણ મહિના સુધી મંદીનો માહોલ રહ્યા બાદ હાલમાં મોરબી સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં જીવીટી અને પોર્શિલન ટાઈલ્સની સારી એવી ડિમાન્ડ નીકળતા સીરામીક ઉદ્યોગમાં હાલમાં તેજીનો સંચાર થયો હોય તેમ ઉદ્યોગકારોને રાહત મળી છે.

- text