- text
પારકી પરણેતર પાસે બિભીત્સ માંગણી કરતા પરિણીતાના પતિ સહિતના ત્રણ શખ્સોએ હત્યા કરી નાખી, પોલીસે કોલ ડિટેઇલને આધારે ભેદ ઉકેલ્યો
વાંકાનેર : મોરબીના લીલાપર રોડ ઉપર તીર્થક પેપરમિલ પાસે રહેતા અને કાગળ વીણવાનું કામ કરતા મૂળ મધ્યપ્રદેશનો વતની યુવાન લાપતા બન્યા બાદ પોલીસે મોબાઇલની કોલ ડિટેઇલને આધારે તપાસ કરતા આ યુવાનની હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ હત્યારાને ગિરફતમાં લઈ તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર રહી કાગળ વિણવાનું કામ કરતા મધ્યપ્રદેશના વતની પરિવારના મોભી કેકડીયાભાઈ ધુપસિંહ માવી વીસેક દિવસ પૂર્વે લાપતા બનતા તેમના પુત્ર નાનકાભાઈ માવીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી હતી.બીજી તરફ પોલીસે ઘરથી બાઈક લઈને નીકળેલા કેકડીયાભાઈના મોબાઇલની કોલ ડિટેઇલના આધારે તપાસ કરતા લાપતા બન્યા તે દિવસે વારંવાર એક મોબાઈલ નંબર ઉપરથી ફોન આવ્યા હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી હતી.
- text
વધુમાં પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક કેકડીયાભાઈએ આરોપી સુરેશભાઇ વેસ્તાભાઇ બારીયાની પત્ની મેરિબાઈ પાસે બિભીત્સ માંગણી કરી હોય જેથી આરોપી સુરેશભાઇ વેસ્તાભાઇ બારીયા રહે.લીયારા ગામ તા.પડધરી, મુળ-બળીફાટા તા-ભાભરા જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ, આરોપી મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા, રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર ગાયત્રી ભડીયા પાસે ઝુપડામાં મુળ-મયાવટ ગામ તા-ભાભરા જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ અને સુરેશભાઇની પત્ની મેરીબાઇએ કાવતરું રચી મૃતક કેકડીયાભાઈને વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે બોલાવી ગળું દાબી હત્યા કરી નાખી એક વાડીના કૂવામાં મૃતકનું બાઈક નાખી દઈ મૃતકની લાશને ધોળકા પાસે ફેંકી દીધી હતી.
આ ચકચારી બનાવમાં પોલીસે લાપતા બનેલા મૃતકની કોલ ડિટેઇલને આધારે ઊંડાણ પૂર્વકની તપાસ કરતા હત્યારા સુરેશે અન્યના આધારકાર્ડ ઉપર સીમકાર્ડ ખરીદી તે સીમકાર્ડ વડે મૃતકને ફોન કરી બોલાવી હત્યાને અંજામ આપ્યાનું સામે આવ્યું હતું. હાલમાં સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી નાખી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- text