આજે ગોપાષ્ટમી : ભગવાન શ્રી કૃષ્ણ આજના દિવસે પહેલી વાર વનમાં ગાયો ચરાવવા ગયા હતા
મોરબી :
છોટી છોટી ગૈયા, છોટે છોટે ગ્વાલ, છોટો સો મેરો મદન ગોપાલ,
આગે આગે ગૈયા, પીછે પીછે ગ્વાલ, બીચ મેં ચલે મેરો મદન ગોપાલ.
આ ભજન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને ગાય ખૂબ જ પ્રિય હોવાનો મહિમા દર્શાવે છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે કારતક શુક્લ પક્ષની અષ્ટમીના રોજ ગોપાષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે ગોપાષ્ટમી 9 નવેમ્બરના રોજ છે. ગોપાષ્ટમીનો તહેવાર ખાસ કરીને ગાયની પૂજા કરવા, ગાયો પ્રત્યે કૃતજ્ઞતા અને આદર દર્શાવવા માટે સમર્પિત છે. આ દિવસે ગાય સાથે શ્રી કૃષ્ણની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે. પુરાણોમાં 33 કરોડ દેવી-દેવતાઓ અને 68 કરોડ તીર્થો ગાય માતાને સમર્પિત હોવાનો ઉલ્લેખ છે.
શ્રી કૃષ્ણલીલા કથા
ગોપાષ્ટમી સંપૂર્ણ રીતે પ્રભુ શ્રી કૃષ્ણની વ્રજની લીલાનો ઉત્સવ છે. જ્યારે કન્હૈયા પાંચ વર્ષના થયા ત્યારે તેણે ગાયો ચરાવવાનો આગ્રહ કર્યો. માતા યશોદાએ ના પાડી છતાં માન્યા નહીં. પ્રભુની હઠના કારણે માતા થાકી ગઈ. અને ગોચરણના શુકન અન્નકૂટના દિવસે કર્યા. આમ છતાં કન્હૈયા રાજી ન થયા. ગોપગણ અષ્ટાંગ યોગથી ગાયોની સેવા કરે છે. આ કારણથી કારતક સુદ આઠમના દિવસે ગાયો ચરાવવા જવાની પ્રભુએ જીદ કરી.
ભગવાને માતાને કહ્યું કે “મા, હું હવે મોટો થઈ ગયો છું, હું ડરતો નથી અને મારા બધા મિત્રો અને બલદાઉ પણ મારી સાથે છે. તેથી, ચિંતા કરશો નહીં.” પછી માતા રાજી થઈ. અને શ્રીકૃષ્ણના મુકુટકાછનીના શૃંગાર કર્યા. નજર ના લાગે એના માટે કાળો ટીકો કર્યો. પછી આરતી લઈ આવી. કન્હૈયાની પ્રથમ ગોચારણ માટે આરતી કરી. ત્યારબાદ માતા શીખ આપે છે કે જંગલ કે જળાશયમાં ન જાશો, મિત્રો સાથે ઝઘડો ન કરશો, સમયસર ભોજન કરી લેજો. પછી માતા બલદાઉ અને શ્રીદામાને પણ કન્હૈયાનું ધ્યાન રાખવાનું કહે છે. તેને એકલો ન છોડો, નહીં તો તે જંગલમાં ખોવાય જશે. સમયાંતરે તેને ભોજન કરાવજો.
પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે વેણુ વગાડતા ગોવાળ જૂથ સાથે પધારી રહ્યા છે. સમગ્ર સચરાચર શ્રી કૃષ્ણના વેણુના વગાડવાથી મંત્રમુગ્ધ થઈ જાય છે, ગોવાળ મંડળી પવિત્ર લીલા જેવી કે નૃત્ય, ગીતો વગેરેમાં મગ્ન છે. ગોપાલના સુશોભિત સ્વરૂપના દર્શન કરીને તમામ ગોપીઓ મન હારી ગઈ છે. પ્રકૃતિમાં અલગ જ સૌંદર્યનો નિખાર આવ્યો છે અને પક્ષીઓ કલરવ કરવા લાગ્યા છે.
પુષ્ટિમાર્ગમાં ગોપાષ્ટમી
આજના દિવસે શ્રી કૃષ્ણને ‘ગોપ’નો દરજ્જો મળ્યો હતો, એટલે પુષ્ટિમાર્ગમાં આ દિવસને ગોપાષ્ટમી તરીકે ઉજવાય છે. વ્રજમાં પ્રભુ શ્રીકૃષ્ણ ભગવાને અનેક લીલાઓ ગૌ-ચારણ વખતે જ કરી હતી, એટલે કૃષ્ણને ‘ગોપાલ’ પણ કહેવાય છે. પુષ્ટિમાર્ગમાં સ્થાપક શ્રી મહાપ્રભુજી પણ ગૌ-સેવા પ્રત્યે પૂર્ણ સમર્પિત હતા. તેમના બાળપણમાં એક પ્રિય ગાય હતી. જ્યારે તેઓ બહાર હતા, ત્યારે ગાયે દેહ ત્યાગ કર્યો હતો. પરંતુ મહાપ્રભુજીએ આવીને મધુર સ્વરે પુકાર્યા ત્યારે ગાયમાં પ્રાણ આવી ગયા. શ્રીનાથજીએ જ્યારે મહાપ્રભુજી પાસેથી ગાય માંગી હતી, ત્યારે મહાપ્રભુજીએ તેમની અંગૂઠી વેચીને પ્રભુ માટે ગાય પધરાવી હતી. આમ, પ્રભુ પણ ગાય વિના એક ક્ષણ પણ નથી રહી શકતા.