રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય શ્રી જલારામ

- text


આજે ભક્તરાજ જલારામ બાપાની જન્મજયંતી : દંપતીની મહેમાનગતિ ચકાસવા સ્વયં ઈશ્વરે પરીક્ષા લીધી હોવાની માન્યતા

મોરબી : સૌરાષ્ટ્ર એ તો સંતોની ભૂમિ છે. આ ભૂમિમાં દરેક સૈકામાં સંત મહાત્મા અને ભક્તો થયા છે. આ ભૂમિમાં અઢા૨માં સૈકામાં એક મહાન ભક્તરાજ થઇ ગયા એ ભક્તરાજનું નામ જલારામ. એમનો જન્મ ગોંડલ અને જેતપુર વચ્ચે આવેલા વિરપુર ગામમાં લોહાણા જ્ઞાતિમાં સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમને સોમવારના રોજ થયેલો. પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ. જલારામ બાપાના ભાઈઓ હતા બોઘાભાઈ અને દેવજીભાઈ.

મહાત્માના આશીર્વાદ પ્રમાણે જલારામનો જન્મ

પ્રધાન ઠક્કર સાધારણ વેપારી વર્ગના માણસ હતા પણ એક સાચા ઈમાનદાર વેપારીને છાજતી તેમનામાં યોગ્ય વર્તણૂક હતી. તેમના ધર્મપત્ની રાજબાઈ પતિ પરાયણ શુદ્ધ ધાર્મિક સ્ત્રી હતા. એક દિવસ અયોધ્યા તરફથી રઘુવરદાસજી નામે સંત મહાત્મા દસ-વીસ સાધુઓ સહિત દ્વારકાની યાત્રાએ નિકળ્યા અને ફરતા ફરતા જુનાગઢ જતા વિરપુર ગામમાં આવી પહોંચ્યા અને પૂછતાં પૂછતા રાજબાઈ તથા પ્રધાન ઠક્કરની ઘરે ગયા. રાજબાએ સંતોનો સત્કાર કર્યો અને પ્રેમથી જમાડ્યા. આથી, સંત રઘુવરદાસજીએ પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા કે તમારે ત્યા એક પુત્ર થશે. તે આખી ગુજરાત ભૂમિને પવિત્ર કરી અને ભૂખ્યા દુખ્યાને સંતોને રોટલો આપી અમર નામના મેળવશે અને આશીષ આપી ચાલ્યા ગયા. મહાત્માના આશીર્વાદ પ્રમાણે માતા રાજબાઈએ પુત્રનો જન્મ આપ્યો શ્રી જલારામ.

જલારામ બાપાનું મન સંસાર ઉપરથી ઉઠી જતા સદાવ્રત ચાલુ કર્યું

- text

જલારામ નાનપણથી જ તેજસ્વી હતા. ઉમરલાયક થતા તેમને યજ્ઞોપવિત ધારણ કરાવ્યો. અને જલારામ ઈચ્છા વિરૂદ્ધ આટકોટના પ્રાગજી સોમૈયાની દિકરી વી૨બાઈ સાથે લગ્ન કર્યા ત્યારે જલારામ નાખુશ હતા પણ વાલજીકાકાએ ગૃહસ્થાશ્રમનો ધર્મ સમજાવ્યો ત્યારે જલારામ કબુલ થયા. લગ્ન થયા પછી જલારામ પોતાના પિતાજીની દુકાને બેસવા લાગ્યા. પણ જે કોઈ સાધુ સંતો આવે તેમને કાંઈ ને કાંઈ આપી દેતા. તેથી, તેમના પિતા નારાજ થતા અને જલારામને કહ્યું કે આ અપલક્ષણ વેપારીના દિકરાને શોભે નહી. પણ જલારામે કહ્યુ કે પિતાજી હું કોઈને ના નહી પાડી શકુ. તેથી, પિતાજી નારાજ થયા અને જલારામને જુદા કર્યા. જુદા થયા પછી જલારામ કાકાની દુકાને બેસવા લાગ્યા. પરંતુ થોડા સમય બાદ જલારામનું મન સંસાર ઉપરથી ઉઠી ગયુ અને અઢાર વર્ષની ઉમરે યાત્રામાં નિકળી બે વર્ષ યાત્રામાં રહી આવી, જુદો આશ્રમ બાંધ્યો અને બન્ને માણસ મજુરી કરી દાણા ભેગા કરી સદાવ્રત ચાલુ કરી દીધુ.

દંપતીની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા

એવું કહેવાય છે કે એક સમયે સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યાં અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ તેમને દાન કરી દેવી. જલારામે વીરબાઈ સાથે મસલત કરી અને તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યાં. પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું. તેણીએ ત્યાં રાહ જોઈ પણ તે સંત પાછા ન આવ્યા. તેથી, ઉલટું આકાશવાણી થઈ કે આ તો માત્ર દંપતિની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા તે પહેલા તેઓ વીરબાઈ મા પાસે એક દંડો અને ઝોળી મૂકતાં ગયાં હતાં. વીરબાઈ મા ઘરે આવ્યાં અને જલારામ બાપાને આકાશવાણી, દંડા અને ઝોળીની વાત કરી. આ દંડો અને ઝોળી વીરપુરમાં કાચની પેટીમાં પ્રદર્શન માટે મૂકેલા છે. મંદિરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓને વિનામુલ્યે પ્રસાદનું વિતરણ થાય છે. પ્રસાદમાં સવારે ગાંઠિયા, બુંદી અને શાક તથા સાંજે ખીચડી-કઢી અને દેશી ઘી આપવામાં આવે છે.

- text