ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદને કારણે મોરબી જિલ્લાના 1.51 લાખ ખેડૂતોનો પાક ધોવાયો હતો

- text


મોરબી જિલ્લામાં પાક નુકશાની મેળવવા 96820 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી : હજુ પણ 52 હજારથી વધુ ખેડૂતો અરજી કરવાની કતારમાં

મોરબી : મોરબી જિલ્લામાં ઓગસ્ટ માસમાં ખબકેલા ભારે વરસાદને કારણે જિલ્લામાં અડધો અડધ ખેડૂતોને નુકશાન થતા સરકારના આદેશ મુજબ ખેતીવાડી વિભાગે કરેલા સર્વેમાં 1,52,360 હેકટર જમીનમાં ઉભેલા ખરીફ પાકને નુકશાન થયું હતું અને કુલ 1,51,789 ખેડૂતોને નુકશાન થયાના આંકડા સામે આવ્યા હતા. બીજી તરફ સરકારે જાહેર કરેલા પેકેજ મુજબ નુકશાન સહાય માટે સરકારે તા. 10 નવેમ્બર સુધીમાં ઓનલાઈન અરજી કરવાનું જાહેર કરતા અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં 96,820 ખેડૂતોએ નુકશાની વળતર મેળવવા અરજી કર્યાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદ બાદ થયેલ નુકશાન અંગે સરકાર દ્વારા ખેતીવાડી વિભાગ સહિતની 29 ટીમોને સર્વેક્ષણ માટે મેદાનમાં ઉતારવામાં આવતા 33 દિવસના અંતે ખેતીવાડી સર્વે પૂર્ણ કરાયો હતો જેમાં મોરબી જિલ્લામાં પાંચેય તાલુકામાં ખેડૂતોને 48.37 ટકા પાક નુકશાન ગયાનું તારણ કાઢવામાં આવ્યું હતું. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે 3,14,944 હેકટર વિસ્તારમાં વાવેતર થયું હતું અને સમયસર વરસાદ આવ્યો હોય મોટાભાગના ખેડૂતોને સારી ઉપજ આવવાની આશા હતી પરંતુ ભારે વરસાદ અને વરસાદ બાદ પૂર્ણા પાણીએ ખરીફ પાકની પથારી ફેરવી દેતા પાંચ તાલુકાના 1,51,789 ખેડૂતોના ખેતરમાં રહેલા પાકનો સફાયો થયો હતો.

- text


હળવદ તાલુકાના બાકી રહેલા ચાર ગામો માટે યુદ્ધના ધોરણે સર્વે

મોરબી જિલ્લામા ઓગસ્ટ મહિનામાં આવેલા ભારે વરસાદને કારણે ખરીફ પાકને નુકશાન સંદર્ભે હળવદ તાલુકાના અજિતગઢ, નવા ઘાટીલા, જુના દેવળીયા નવા ઘનશ્યામગઢ ગામમાં ખેડૂતોની અણસમજને કારણે જે તે સમયે સર્વે થઈ શક્યો ન હતો. જો કે, સરકારે રાહત પેકેજ જાહેર કર્યા બાદ આગેવાનોની રજુઆત ધ્યાને લઇ ખેતીવાડી વિભાગે આ ચારેય ગામોનો તાબડતોબ સર્વે શરૂ કરાવ્યો છે અને ચારે ગામના ખેડૂતોને રાહતપેકેજનો લાભ મળે તે માટે હાલમાં યુદ્ધના ધોરણે જિલ્લાની તમામ ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે.


મોરબી જિલ્લામાં નુકશાન વળતર માટે અરજી કરનાર ખેડૂતોની સંખ્યા

મોરબી – 30,632
મોરબી શહેર – 399
માળીયા – 15636
ટંકારા – 14029
વાંકાનેર – 21152
હળવદ – 14974
કુલ – 96820


- text