- text
ઉછીના નાણાં પરત આપી દેવા છતાં 20 લાખની ઉઘરાણી કરી હળવદ પંથકના ત્રણ શખ્સોએ યુવાનનું અપહરણ કરી ઢોર માર માર્યો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીક સ્વીફ્ટ કારમાં આવી રહેલા થાનગઢ તાલુકાના મનડાસર ગામના યુવાનની કાર આંતરી હળવદ પંથકના ત્રણ શખ્સોએ નાણાકીય લેતી દેતીમા સ્કોર્પિયો કારમાં યુવાનનું અપહરણ કરી લઈ જતા પોલીસે ચકચારી બનાવમાં યુવાનને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના મનડાસર ગામે રહેતા લીલાભાઈ કાળુભાઇ ભૂંડિયા ઉ.35 નામનો યુવાન ગત તા.5ના રોજ પોતાના ઘેરથી વાંકાનેરના લુણસર ગામ તરફ સ્વીફ્ટ કારમાં આવી રહ્યો હતો ત્યારે સોલાર પ્લાન્ટ નજીક જીજે – 13 – એનએન – 1529 નંબરની સ્કોર્પિયો કારમાં આવેલા આરોપી ખોડાભાઈ રણછોડભાઈ સેફાત્રા, ગોપાલભાઈ ગેલાભાઈ સેફાત્રા રહે. ખેતરડી, તા.હળવદ અને મેલાભાઈ હમીરભાઈ સેફાત્રા રહે.ચુપણી, તા.હળવદ વાળાએ સ્વીફ્ટ કારને આંતરી લીલાભાઈ પાસે પૈસાની ઉઘરાણી કરી લીલાભાઈનું અપહરણ કરી નાસી ગયા હતા.
- text
બીજી તરફ લીલાભાઈની સાથે રહેલા તમેના મિત્ર આ ઝઘડા દરમિયાન નાસી ગયા હતા અને લીલાભાઈના પરિવારજનોને બનાવની જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તુરત એક્શનમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર લીલાભાઈએ આરોપી ખોડાભાઈ પાસેથી 30 લાખ ઉછીના લીધા હતા જેમાંથી 10 લાખ રોકડા અને નોટબંધી વખતે બાકીના 20 લાખ ચૂકવી આપવા છતાં આરોપીઓએ નાણાંની ઉઘરાણી કરી સ્વીફ્ટ કાર સાથે ગાડી ભટકાળી નુકશાન કરી લીલાભાઈનું અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ લીલાભાઈને ત્રણેય આરોપીઓ વાડીમાં લઈ ગયા હતા જ્યાં ઢોર માર મારી બાદમાં સરા તેમજ લીમડી તરફ લઈ ગયા હતા. જો કે, પોલીસે અપહરણકારોનું પગેરું દબાવી લીલાભાઈને મુક્ત કરાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
- text