હળવદના 4 ગામોમાં અંતે ખેડૂતોની માંગણી પ્રમાણે પાક નુકસાનીનો સર્વે શરૂ

- text


અગાઉ સર્વે કરવા આવેલી ટીમો દ્વારા યોગ્ય સર્વે ન થતો હોવાનું જણાવી ગ્રામ પંચાયતોએ સર્વેની ના પાડી હતી : જિલ્લા વિકાસ અધિકારીએ ફરી ટીમોની નિમણુંક કરી 2 દિવસમાં સર્વે પૂર્ણ કરી દેવા કર્યો આદેશ

હળવદ : રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો.જોકે હળવદ તાલુકાના ચાર ગામોમાં સર્વે કરવા આવેલી ટીમ દ્વારા યોગ્ય સર્વે ન કરતો હોવાનું જણાવી જે તે સમયે સંદર્ભિત ઠરાવના ધારા ધોરણ મુજબ સર્વે કરવાની સહમતી દર્શાવેલ ન હોવાથી ખાસ કૃષિ પેકેજમાં આ ચારેય ગામનો સમાવેશ થયેલ ન હતો.જેને લઇ ચારે ગામના સરપંચ અને ખેડૂતોએ હળવદ મામલતદારને તેમજ તાલુકા વિકાસ અધિકારીને અને ધારાસભ્યને રજૂઆત કરી યોગ્ય સર્વે કરવા માંગ કરી હતી. બાદમાં હવે તંત્ર દ્વારા ગામની માંગણી પ્રમાણે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

હળવદ તાલુકામાં વરસેલા વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો.જોકે તાલુકાના ઘનશ્યામગઢ, નવા ઘાટીલા, જુના દેવળીયા અને અજીતગઢ સહિત ચારે ગામની ગ્રામ પંચાયત દ્વારા એસડી આર એફની ગાઈડલાઈન મુજબ થતો સર્વે મંજૂર ન હોય યોગ્ય સર્વે કરવા માંગ કરી હતી અને સર્વે કરવા આવેલી ટીમને સર્વે કરવા દેવામાં આવ્યો ન હતો.સાથે જ યોગ્ય સર્વે કરવાની માંગ સાથે ચારેય ગામના સરપંચ અને ખેડૂતોએ હળવદ મામલતદારને અને તાલુકા વિકાસ અધિકારીને તેમજ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરી યોગ્ય સર્વે કરી નુકસાની ગયેલ છે તે તમામ ખેડૂતોને કૃષિ રાહત પેકેજમાં રાહત મળે તે માટે માંગ કરી હતી.

- text

આ રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ ટીમ બનાવી મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા હળવદના ચારેય ગામમાં ગામના ખેડૂતોને અને સરપંચને સાથે રાખી યોગ્ય સર્વે કરવા હુકમ કરવામાં આવ્યો હતો. જેથી આજથી ઉપરોક્ત ચારેય ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ અંગે અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલ જે સર્વે કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય રીતે થઈ રહ્યો છે.જેથી ઘનશ્યામ ગઢના સરપંચ ઘનશ્યામભાઈ પટેલ,નવા ઘાટીલાના સરપંચ મનસુખભાઈ પટેલ,જુના દેવળીયાના લાલાભાઇ પટેલ અને ટીકરના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલ તેમજ આગેવાનો અને ખેડૂતોની માંગને ધ્યાને લેવા બદલ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાનો આભાર વ્યક્ત કરીએ છીએ.

- text