રજાઓ પૂર્ણ થતા મોરબી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમ્યું : સૌથી વધુ કપાસની આવક

- text


મોરબી : દિવાળીની રજાઓ પૂર્ણ થતા આજરોજ લાભ પાંચમના શુભ દિને મોરબી માર્કેટિંગ યાર્ડ પુન: ધમધમ્યું છે. આજે પ્રથમ દિવસે સૌથી વધુ આવક કપાસની થવા પામી છે. આ ઉપરાંત મગફળી, બાજરો, એરંડા, તલ, ચણા, સોયાબીન વગેરેની પણ આવક થઈ છે.

દિવાળીની રજાઓ પૂર્ણ થયા બાદ આજે લાભ પાચમના શુભ દિને મોરબી માર્કેટિંગ યાર્ડ ફરી ધમધમતું થયું હતું. માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલ રાતથી જ ખેડૂતોએ વિવિધ જણસી ઠાલવી હતી. વર્ષના પ્રથમ દીને સૌથી વધુ કપાસની આવક થવા પામી છે. આજે સવારથી બપોરના 11 વાગ્યા સુધી વિવિધ જણસીની હરાજી થઈ હતી.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે સૌથી વધુ 11060 મણ કપાસની આવક થવા પામી હતી. જેના ₹ 1300 થી 1550 સુધીનો ભાવ બોલાયો હતો. આ ઉપરાંત 2875 મણ મગફળીની આવક થઈ હતી. જેના ₹ 840 થી 1256 સુધીના ભાવ બોલાયા હતા. ચાલુ વર્ષે ભારે અને પાછોતરા વરસાદને પગલે ઉત્પાદન ઓછું થયું હોય તેમાં પણ ભાવ ઓછા મળ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં 131 ક્વિન્ટલ, તલ 33 ક્વિન્ટલ, જીરુ 65 ક્વિન્ટલ, બાજરો 8 ક્વિન્ટલ, અડદ 16 ક્વિન્ટલ, ચણા 13 ક્વિન્ટલ, સોયાબીન 140 ક્વિન્ટલ ઠલવાયા છે.

- text

- text