- text
મહાઆરતી, રાસ-ગરબા, આતશબાજી, ફ્લોટ્સ, રથ, ડીજે સહિતના આકર્ષણો વચ્ચે મોરબી જય જલિયાણના નાદથી ગુંજી ઉઠશે
જલારામ પ્રાર્થના મંદિરથી બાપા સીતારામ ચોક સુધી યોજાશે શોભાયાત્રા
મોરબી : દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં જલારામ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. કારતક સુદ-7 ને તારીખ 8 નવેમ્બર, શુક્રવારે ઠેર ઠેર પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મજયંતીની ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં જલારામ જયંતી શોભાયાત્રા સમિતિ દ્વારા ભવ્યાતિભવ્ય જલારામ બાપાની શોભાયાત્રાનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે.
જલારામ જયંતીએ મોરબીમાં યોજાનાર શોભાયાત્રામાં વિવિધ પ્રકારના ફ્લોટ્સ, શણગારેલા રથ, ડીજે, નાસિક ઢોલ સહિતના વિવિધ આકર્ષણો જોવા મળશે. 8 નવેમ્બરના રોજ મોરબીના અયોધ્યાપુરી રોડ ખાતે આવેલા જલારામ પ્રાર્થના મંદિરેથી બપોરે 2.30 કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ શોભાયાત્રા ત્યાંથી જુના બસ સ્ટેશન ખાતે પહોંચશે જ્યાં દિપકભાઈ પોપટ (રિદ્ધિ ફટાકડાવાળા) દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ત્યાંથી શોભાયાત્રા નગરદરવાજા ચોક ખાતે પહોંચશે, ત્યાં ભવ્ય આતશબાજી કરવામાં આવશે અને રઘુવંશી યુવક મંડળ શોભાયાત્રાનું સ્વાગત-અભિવાદન કરવામાં આવશે અને ઠંડાપીણાની વ્યવસ્થા કરાશે. ત્યારબાદ શોભાયાત્રા શાક માર્કેટ ખાતે પહોંચશે, ત્યાંથી ગાંધી ચોક, ચકિયા હનુમાનજી મંદિર પહોંચશે. જ્યાં વસંત પ્લોટ ગરબી મંડળ દ્વારા સ્વાગત અને અભિવાદન કરાશે. ત્યાંથી શોભાયાત્રા રામ ચોક, વસંત પ્લોટ મેઈન રોડ, સમસ્ત લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે પહોંચશે જ્યાં સમસ્ત પોપટ પરિવાર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રામ ચોકથી શોભાયાત્રા સરદાર બાગ ખાતે પહોંચશે. જ્યાં કેક કટિંગ કરીને જલારામ બાપાનો જન્મોત્સવ ઉજવવામાં આવશે. આ વર્ષે હિતેષભાઈ કાંતિલાલ સચદેવ પરિવાર દ્વારા કેક કટિંગ કરાશે. ત્યાંથી શોભાયાત્રા નવા બસ સ્ટેશન ખાતે પહોંચશે જ્યાં રોયલ રઘુવંશી ગ્રુપ સ્વાગત કરાશે. ત્યાંથી માણેક સોસાયટી મેઈન રોડ થઈ શોભાયાત્રા બાપા સીતારામ ચોક ખાતે પહોંચશે. જ્યાં લાઈવ કોન્સર્ટ દ્વારા સંતો મહંતોની ઉપસ્થિતિમાં ભવ્યાતિભવ્ય રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ ભવ્યાતિભવ્ય આતશબાજી અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
- text
શોભાયાત્રામાં બાળકો માટે વેશભુષાનું આયોજન કરાયું છે. જેમાં રઘુવંશી સમાજના 50 જેટલા બાળકો રામ દરબાર, શિવ દરબાર, પૂજ્ય જલારામ બાપા, માતૃશ્રી વીરબાઈ માનો વેશ ધારણ કરશે જે શોભાયાત્રાનું આકર્ષણનું કેન્દ્ર બનશે. વેશભુષામાં ભાગ લેનાર દરેક બાળકોને ઈનામ આપવામાં આવશે. બાપા સીતારામ ચોક ખાતે વિરલભાઈ મિરાણી દ્વારા લાઈવ કોન્સર્ટમાં સુપ્રસિદ્ધ કલાકારો દેવ ભટ્ટ, વૈભવીબેન શાહ ત્રિવેદી, નીરવ રાયચુરા સહિતના કલાકારો જલારામ બાપાના ભજનોની રમઝટ બોલાવશે. ઈન્ડિયલ આઈડોલ ફેમ ચીન્ટુ ઉસ્તાદની લાઈવ ઓરકેસ્ટ્રા ઉપસ્થિત રહેશે. આમ સમસ્ત મોરબીના વીરપુરમય અને જલિયાણમય બનાવવાનું સુંદર આયોજન કરાયું છે. આ શોભાયાત્રામાં સમસ્ત રઘુવંશી પરિવારો જોડાય તેવી જલારામ જયંતી શોભાયાત્રા સમિતિ મોરબી તરફથી સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.
- text