- text
વડીલોને વંદન બાદ સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનોને નુતનવર્ષાભિનંદન કર્યા
જ્ઞાતિ-સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલનો યોજાયા
મોરબી : આજથી ખમીરવંતી ગુજરાતી પ્રજાના નવા વર્ષનો શુભારંભ થયો છે. નવી આશા, નવી ઉમંગ અને નવા જોશ સાથે નૂતન પ્રભાતનો મંગલમય ઉદય થતા જ લોકોના મનમાં નવી ચેતનાનો સંચાર થયો છે. દરેક પ્રકારના દુષણોના અંધકારને નૂતન પ્રભાતની નવી ઉર્જા થકી દૂર કરવાની આશાઓ સાથે આજે સમગ્ર મોરબીવાસીઓએ બેસતા વર્ષની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. દરેક લોકોએ પોતાના પરિવાર, સગા સંબંધીઓ, મિત્રો, સ્નેહીજનોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સોશિયલ મીડિયા ઉપર નૂતન વર્ષાભિનંદનના મેસેજનો વરસાદ શરૂ થયો છે. સાથે જ વિવિધ જ્ઞાતિ-સમાજ અને સંસ્થાઓ દ્વારા સ્નેહ મિલનો યોજી નવા વર્ષને ઉમળકાથી વધાવ્યું છે.
તેજોમય પ્રકાશના દીપાવલી મહાપર્વને લઈ મોરબી જિલ્લાના લોકોમાં અનેરો ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો છે. દિવાળીના તહેવારોને લઈને દરેક લોકોના અંતર મનમાં ખુશીઓ છવાઈ ગઈ છે. કોઈએ પરિવાર મિત્રો, સગા સબધી સાથે દિવાળી મનાવી તો કોઈએ અભાવોને કારણે હંમેશા તહેવારોની ખુશીઓથી દુર રહેતા બાળકો સહિતના જરૂરિયાત મંદોને ફટાકડાની કીટ તથા ભાવતા ભોજનીયા કરાવીને તેમના જીવનમાં દિવાળીની ખુશીઓના ઉમંગનો રંગ ભરી દીધો છે. દરેક મોરબીવાસીઓમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણીનો કઈક અલગ જ ખુશમિજાજ જોવા મળી રહ્યો છે.
આ વખતે ફટાકડા, કપડા, સોના ચાંદીના દાગીના, ઇલેકટ્રોનિક આઇટમો, ડેકોરેટિવ આઇટમો, મીઠાઇ ફરસાણ સહિતની તમામ ચીજવસ્તુઓનું છેલ્લી ઘડી સુધી દિવાળીનું બજારમાં બમ્પર શોપિંગ જોવા મળ્યું છે અને દિવાળીના દિવસે પણ બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.
દિવાળીની ધૂમધડાકા ભેર ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ વખતે તિથિઓને કારણે લોકોમાં અસંમજતા વચ્ચે ધોકો અર્થાત પડતર દિવસ હોય લોકોએ નિરાતથી પડતર દિવસમાં આરામ ફરમાવ્યો હતો. જેથી તા.31ના રોજ ગરુવારે દિવાળી ઉજવી આજે તા.02ના રોજ શનિવારે નૂતન વર્ષની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી છે. વહેલી સવારે લોકો ઉઠી જઈને સ્નાન કરી નવા કપડાં પહેરીને પૂજાવિધિ કર્યા બાદ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. યુવાનો અને બાળકોએ પણ પરંપરા જાળવીને પોતાના માતા-પિતાના ચરણસ્પર્શ કરીને ભાવ વંદના કરી હતી. તેમજ ઘરના વડીલોએ પોતાના સંતાનોને પરંપરા મુજબ શુકન રૂપે બક્ષિસ પણ આપી હતી. દરેક લોકોએ મુખવાસ અને મીઠાઈથી એકબીજાના મો મીઠા કરાવીને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વર્ષે પણ વિવિધ જ્ઞાતિ, સમાજના સંગઠનો અને સંસ્થાઓ સહિતનાના સ્નેહ મિલનો યોજાયા છે અને દિવાળી કાર્ડની જગ્યા ડિજિટલ કાર્ડ લઈ લીધી હોય લોકોએ રૂબરૂ સાલમુબારક પાઠવવાની સાથે મોબાઈલમાં પણ મેસેજનો ધોધ વહાવ્યો હતો. જો કે, આજના ડીઝીટલ યુગમાં પણ સ્નેહમિલનોમાં ઉત્સાહથી મોટી સંખ્યામાં જોડાઈ નવા વર્ષના રામ રામ કરવાની વર્ષોની આત્મીય પરંપરામાં ઓટ આવી ન હતી.
જ્યારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, શેરચાટ સહિતના યુઝરોએ પણ અવનવા મેસેજ રિલ સાથે નવા વર્ષની ઉજવણીના સંદેશા પાઠવી નવા વર્ષને આવકારવા સંદેશાઓની આપલે કરી હતી.
- text
આ વર્ષે દિવાળીના તહેવારમાં સરકારી કર્મચારીઓને પણ ચારથી પાંચ દિવસનો લાભ મળ્યો હોય દિવાળી મીની વેકેશનમાં કાશ્મીર, ગોવા, રાજસ્થાન સહિતના ફરવા લાયક સ્થળોએ મોરબીના લોકો ઉપડી ગયા હતા. એસટી, રેલવે, હવાઈ મુઝફરી અને ખાનગી બસોમાં પણ હાઉસફુલ જેવી સ્થિતિ જોવા મળી હતી. સાથે જ હવે દિવાળીનું મીની વેકેશન પૂરું થયા બાદ લાભપાંચમના શુભ મુહૂર્તથી તમામ બજારો ફરી ધમધમી ઉઠશે. આ સંજોગોમાં મોરબી અપડેટ પરિવાર પણ સૌ વાચકો અને મોરબીવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.
- text