આજથી વિક્રમ સંવત ૨૦૮૧નો શુભારંભ : કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી ગુજરાતીઓના નવા વર્ષનો આરંભ
મોરબી : ભારતના વિવિધ પ્રાંતો અને સમુદાયો દ્વારા તેમની માન્યતાઓ અનુસાર નવું વર્ષ ઉજવવામાં આવે છે. ગુજરાતીઓનું નવું વર્ષ કારતક મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદાથી શરૂ થાય છે. આ વર્ષે તા. 2 નવેમ્બરના રોજ વિક્રમ સંવત 2081નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ દિવસે અન્નકૂટ પૂજાના દિવસે ઉજવવામાં આવે છે, જેને ગોવર્ધન પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ગુજરાતીઓ તેમના વ્યવસાયનું જૂનું ખાતું બંધ કરીને નવું શરૂ કરે છે. આ ખાતું વહી ખાતાના નામથી પણ ઓળખવામાં આવે છે.
બેસતા વર્ષની વહેલી સવારે ગામડાની સ્ત્રીઓ ઘરમાંથી અળસ કાઢે છે. હાથમાં કાળુ કૂટેલું હાલ્લું કે તાવડીના કટકા લઈ ઉકરડે નાખવા જાય છે. આ કરવા પાછળ અળસ એટલે આળસને દરિદ્રતા જાય ને પુરુષાર્થ વડે ઘરમાં મહેનતની કમાણીની લક્ષ્મી આવે તેવી ભાવના હોય છે. આ દિવસે નાનાં લોકો પોતાના વડિલોને અભિનંદન પાઠવીને આશીર્વાદ મેળવે છે.
વિક્રમ સંવત
વિક્રમ સંવતના જનક વિક્રમાદિત્ય રાજા ભર્તુહરિના નાના ભાઈ હતા. ભર્તુહરિને તેમની પત્નીએ દગો આપ્યો ત્યારે તેમણે રાજ્ય છોડીને સંન્યાસ લઈ લીધો અને રાજ્ય વિક્રમાદિત્યને સોંપી દીધું. માન્યતા છે કે રાજા વિક્રમાદિત્યએ પોતાની પ્રજાનું દેવું માફ કરી દીધું હતું, જેથી લોકોની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જાય. તે સમયે જે રાજા પોતાની પ્રજાનું દેવું માફ કરી દેતો હતો, તેના નામ પરથી જ સંવત પ્રચલિત થઈ જતું હતું. આ કારણે તેના નામથી વિક્રમ સંવત પ્રચલિત થઈ ગયું.રાજા વિક્રમનો ભારતની સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, હિન્દી, ગુજરાતી, મરાઠી, બાંગ્લા વગેરે ભાષાઓના ગ્રંથોમાં વિવરણ મળે છે. તેમની વીરતા, ઉદારતા, દયા, ક્ષમા વગેરે ગુણોની અનેક ગાથાઓ ભારતીય સાહિત્યમાં ભરેલી જોવા મળે છે.
2081 વિક્રમ સંવત્સરનું નામ : કાલયુક્ત
દરેક સંવત્સરનું એક સ્વતંત્ર નામ છે. આ વખતે આવનારા વિક્રમ સંવત 2081નું નામ કાલયુક્ત છે. ધાર્મિક કાર્યોની શરૂઆતમાં, સંકલ્પ લેતી વખતે, સંવત્સરની સંખ્યા અને તેના નામનો ઉચ્ચાર કરવામાં આવે છે. ત્યાં 60 સંવત્સરો છે, જે બ્રહ્મા વિંશતિ, વિષ્ણુ વિંશતિ અને શિવ વિંશતિમાં સમાન રીતે વિભાજિત છે. જ્યારે 60 સંવત પૂર્ણ થાય છે ત્યારે પ્રથમ નામનું સંવત્સર ફરી શરૂ થાય છે.
વિક્રમ સંવતના બાર માસ
વિક્રમ સંવતના બાર માસના નામ કારતક (કાર્તિક), માગશર (માર્ગશીર્ષ), પોષ, મહા (માઘ), ફાગણ (ફાલ્ગુન), ચૈત્ર, વૈશાખ (બૈશાખી), જેઠ (જ્યેષ્ઠ), અષાઢ, શ્રાવણ, ભાદરવા (ભાદ્રપદ), આસો (અશ્વિન) તરીકે ઓળખાય છે. ચંદ્ર અને સૌરવર્ષની વચ્ચે સામંજસ્ય બેસાડવા માટે લગભગ અઢી વર્ષે ‘અધિકમાસ’ કે ‘પુરુષોત્તમમાસ’ ઉમેરવામાં આવે છે. આ સિવાય જ્વલ્લે જ બનતી ઘટનામાં ક્યારેક માસનો ‘ક્ષય’ પણ થાય છે.
(શીર્ષક પંક્તિ : ભાવિન ગોપાણી)