મોરબી એસટીને દિવાળી ફળી, 4 દિવસમાં 19.75 લાખની આવક 

- text


ચાર દિવસમાં માત્ર એડવાન્સ બુકિંગની જ રૂપિયા 5.31 લાખની આવક 

મોરબી : દિવાળીનો તહેવાર પરિવાર સાથે ઉજવવાની પ્રણાલીને કારણે મોરબી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા શ્રમિકોએ વતનભણી દોટ મુકતા જ મોરબી એસટી વિભાગને ચાંદી-ચાંદી થઇ પડી છે, સામાન્ય દિવસોમાં મોરબી એસટીને દૈનિક 3થી 3.50 લાખની આવક સામે દિવાળીને પગલે એસટીની દૈનિક આવકમાં લાખોનો વધારો થવાની સાથે દાહોદ, રાજકોટ, જામનગર રૂટ ઉપર એક્સ્ટ્રા બસ દોડાવી પડી રહી છે.

સીરામીક સીટી મોરબીમાં સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં દેશભરમાંથી શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ગુજરાતના અલગ-અલગ જિલ્લામાંથી પણ મોરબીમાં અનેક લોકો રોજગારી મેળવવા આવતા હોય દિવાળીના દિવસોમાં સીરામીક ઉદ્યોગ તેમજ ખેતીવાડી ક્ષેત્રે જોડાયેલ શ્રમિકો વતન દિવાળી મનાવવા જતા હોવાથી મોરબી એસટી વિભાગને દિવાળીની વધારાની ધૂમ આવક થવા પામી છે.

મોરબી એસટી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા ચાર દિવસમાં દાહોદ, રાજકોટ અને જામનગર રૂટમાં વધારાની 44 ટ્રીપ દોડાવી છે અને હજુ જરૂર પડ્યે વધારાની ટ્રીપો દોડાવવામાં આવશે.વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે મોરબી એસટી ડેપોને સામાન્ય દિવસોમાં દરરોજની રૂપિયા 3 થી 3.5 લાખ રહેતી હોય છે પરંતુ દિવાળીના તહેવારને કારણે છેલ્લા ચાર દિવસમાં રૂ.19.75 લાખની આવક થતા રૂ.5.75 લાખની વધારાની આવક થવા પામી છે.

- text


મોરબી ડેપોને ચાર દિવસમાં થયેલ આવક 

તારીખ એડવાન્સ બુકીંગ આવક – ટોટલ આવક 

27 રૂ. 74,198 રૂ. 4,43,865

28 રૂ. 1,30,814 રૂ. 4,77,066

29 રૂ. 1,77,164 રૂ. 5,04,091

30 રૂ. 1,48,933 રૂ. 5,50,043


- text