- text
મોરબી : દિવાળીનો પર્વ હરકોઈ પોતાના પરિવાર સાથે કરતા હોય છે પરંતુ પોલીસ, ફાયર બ્રિગેડ, એસટી કર્મચારી, રેલવે કર્મચારીઓ કે ઇમરજન્સી સર્વિસ સાથે જોડાયેલ લોકો દિવાળીનો પર્વ પણ પરિવાર સાથે ઉજવી શકતા નથી આમ છતાં મોરબીના પોલીસ પરિવારે નિરાધાર વૃદ્ધ અને ગરીબ બાળકો સાથે દિવાળીની સાર્થક ઉજવણી કરી હતી.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ એચ.એ.જાડેજાની રાહબરી હેઠળ શી ટીમના મહિલા પીએસઆઇ પી.આર.સોનારા સહિતની ટીમે મોરબીના 50 જેટલા નિરાધાર વૃદ્ધોના ઘરે જઈ દિવાળીની શુભકામનાઓ પાઠવી અને મીઠાઈ ખવડાવી અને મીઠાઈના બોક્ષ આપ્યા હતા ઉપરાંત ઝુપડપટ્ટીના 150 થી વધુ બાળકોને ફટાકડા આપી તેની સાથે ફટાકડા ફોડી અને દિવાળીની ઉજવણી કરી હતી.
મહિલા પીએસઆઇ સોનારાએ જણાવ્યું હતું કે મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં 100થી વધુ આવા નિરાધાર વૃદ્ધો છે જેમની શી ટીમ દ્વારા અઠવાડિયામાં એક વખત મુલાકાત કરી તેમને જરૂરિયાતની વસ્તુઓ લઇ આપે છે. આ ઉપરાંત જે અશક્ત વૃદ્ધો છે તેમને નવડાવવાનું, નખ કાપી આપવાના, દવા તેમજ જમવાનું પહોંચાડવું સહિતની સેવા શી ટીમ દ્વારા સમયાંતરે કરવામાં આવે છે.
- text
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ વસાવાના માર્ગદર્શન હેઠળ શી ટીમે વિકાસ વિદ્યાલયની બાળાઓ સાથે દિવાળીની સાર્થક ઉજવણી કરી હતી જેમાં બાળાઓને કપડાના શો રૂમમાં લઈ જઈ મનગમતા કપડાં લઈ આપ્યા હતા આ ઉપરાંત તેમને ફટાકડા અને મીઠાઈ આપી દિવાળીની ઉજવણી કરી હતી.
- text