- text
ફાયર બ્રિગેડની એક ટીમ નવા બસસ્ટેન્ડ અને એક ટીમે સામાકાંઠે ફરજ બજાવશે
મોરબી : દીપાવલીના તહેવારમાં અમીર -ગરીબ સૌ કોઈ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણીમાં તલ્લીન બનતા હોય છે ત્યારે સામાન્ય નાગરિકો આનંદથી ફટાકડા ફોડી દિવાળી ઉજવી શકે તે માટે મોરબી ફાયર બ્રિગેડના 21 જવાનો રાતભર તૈનાત રહી આગની ઘટના બને તો તુરત જ આગ ઓલવવા માટે સ્ટેન્ડ બાય રહેશે. દિવાળીના દિવસે ફટાકડાના કારણે આગના બનાવોમાં વધારો થતો હોય ફાયર બ્રિગેડે લોકોની સુરક્ષા માટે આગોતરું આયોજન કર્યું છે.
મોરબી સહિતના શહેરોમાં દિવાળીના તહેવાર સમયે ફટાકડા ફોડવાને કારણે આગના બનાવો વધતા હોય છે ત્યારે આગની દુર્ઘટનામાં ઓછામાં ઓછું નુકશાન થાય અને જાનહાની ન થાય તે માટે મોરબી ફાયરબ્રિગેડે આગોતરું આયોજન કર્યું છે. મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દિવાળીના દિવસે આગની ઘટના બને તો તેને પહોંચી વળવા માટે બે ફાયર ફાયટરની સાથે 21નો સ્ટાફ તૈનાત રહેશે,
વધુમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડવાને કારણે આગના બનાવો વધુ બનતા હોય છે ત્યારે મોરબી શહેરમાં આગની ઘટનામાં ત્વરિત પ્રતિક્રિયા મળી રહે તે માટે ફાયર ઓફિસર દ્વારા બે ટીમ બનાવી છે. જે દિવાળીના રાત્રીના 8 થી સવાર સુધી ખડેપગે રહેશે. જેમાં એક ટીમ શનાળા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે રહેશે જયારે બીજી ટીમ સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે તૈનાત રાખવામાં આવનાર હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
- text
સામાન્ય સંજોગોમાં તમામ સરકારી વિભાગના અધિકારીઓ દિવાળીની ઉજવણી પરિવાર સાથે કરતા હોય છે પરંતુ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ફાયર બ્રિગેડના જવાનો દિવાળીનો તહેવાર પોતાના પરિવાર સાથે નથી ઉજવી શકતા કારણ કે ફટાકડાના કારણે આગના બનાવો વધતા હોય આવા બનાવોને પહોંચી વળવા માટે ફાયરની ટીમ આખી રાત ફરજ ઉપર તૈનાત રહેતી હોવાથી તેઓ ક્યારેય પરિવાર સાથે દિવાળી ઉજવી નથી શકતા.
- text