સરદાર પટેલની વિશિષ્ટ રાજનૈતિક સૂઝબૂઝથી ૫૬૨ રજવાડાઓનું એકત્રીકરણ થતાં, આજનું અખંડ ભારત તેમની દેન

૩૧ ઓક્ટોબર – આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રની એક્તા-અખંડિતતામાં લોખંડી પુરુષ સરદાર પટેલનું અમૂલ્ય યોગદાન

સંકલન : માર્ગી મહેતા

મોરબી : અખંડ ભારતના શિલ્પી, ભારતરત્ન અને પ્રજાવત્સલ સરદાર વલ્લભભાઇ પટેલનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને રાષ્ટ્રની એક્તા-અખંડિતતામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે. સરદાર પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર, ૧૮૭૫માં થયો હતો. ભારતમાં તેમની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એક્તા દિવસ’ તરીકે ઉજવાય છે. તેમણે એક વિરલ વ્યક્તિ તરીકે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આઝાદીની લડતમાં ગાંધીજી સાથે જોડાયેલા દેશ ભક્તોમાં વલ્લભભાઈ પટેલ એક અગ્રગણ્ય સ્વાતંત્ર્ય સેનાની હતા. તેમણે દેશના હિત ખાતર અઢળક ધનપ્રાપ્તિ થાય એવો વ્યવસાય અને રજવાડી ઠાઠમાઠ છોડી દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું.

સરદાર વલ્લભભાઈ પટેલ…

– એક પ્રખર રાષ્ટ્રભક્ત, જે બ્રિટીશ શાસનના અંત પછી ભારતના ૫૬૨ દેશી રજવાડાઓને જોડી અખંડ ભારતના શિલ્પી બન્યા.

– આઝાદીની લડતમાં અનેક સત્યાગ્રહોમાં મહત્ત્વની ભુમિકા ભજવી.

– કુશાગ્ર બુદ્ધિ અને દુરંદેશીતાથી ભારતીય રાજ્ય બંધારણમાં મહત્ત્વનો ફાળો આપ્યો.

– દેશના ભાગલા બાદ શક્તિશાળી અને સંવેદનશીલ ગૃહમંત્રી તરીકે નિરાશ્રિતોના પુનઃવસનની કપરી કામગીરી સફળતાપૂર્વક પાર પાડી.

તેજસ્વી વિદ્યાર્થી

ગુજરાતી અભ્યાસ કરમસદની ગામઠી શાળામાં પૂરો કર્યા બાદ આગળના અભ્યાસ માટે વલ્લભભાઈ પેટલાદની શાળામાં દાખલ થયા. ત્યારબાદ વર્ષ ૧૮૯૭માં નડીયાદની શાળામાંથી મેટ્રિક થયા. અંગ્રેજી ભાષા પર વધુ પડતું પ્રભુત્વ એટલે નીચલા ધોરણમાં પણ પોતાના સહાધ્યાયી કરતાં અંગ્રેજી વિષયમાં તે હોશિયાર હતા.

સફળ બેરિસ્ટર

વિચક્ષણ બુદ્ધિ, સામા માણસનો તાગ લેવાની તર્કશક્તિ અને પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવાની કાર્યક્ષમતા વકીલાતના વ્યવસાયમાં સફળ થવા માટેની તેમની મુખ્ય લાક્ષણિકતા હતી.

સરદાર પટેલ અને ગાંધીજીની મુલાકાત

ગાંધીજીની ખેડા જિલ્લાના સત્યાગ્રહની લડત વેળાએ વલ્લભભાઈને તેમનો પરિચય થયો. આગળ જતાં વલ્લભભાઈ વધારે ને વધારે ગાંધીજીના સંપર્કમાં આવતા ગયા. તેમની વચ્ચે હંમેશા પરસ્પર આદર અને શ્રદ્ધાનો ભાવ રહ્યો.

દેશી રાજ્યોનું વિલિનીકરણ

સરદાર પટેલના માયાળુ સ્વભાવ અને સ્પષ્ટ નીતિના સમન્વયથી દેશના ૫૬૨ જેટલાં રજવાડાઓનું એકત્રીકરણ થયું અને દેશની એક્તા અને અખંડિતતા વધુ બળવાન બની. તેમણે દેશી રજવાડાઓને ભારત સંઘ સાથે જોડી એક નવા ઇતિહાસનું પ્રભાત પ્રગટાવ્યું હતું. આજનું અખંડ ભારત સરદાર પટેલની વિશિષ્ટ રાજનૈતિક સૂઝબૂઝની દેન છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ – અખંડ ભારતની આગવી ઓળખ

ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલને આદરાંજલિ આપવા ગુજરાતના બીજા પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનું સ્વપ્ન સાકાર થયું છે. જેના થકી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી એક્તા અને અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં પ્રસરી રહ્યો છે. સાથેસાથે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્રની પ્રતીતિ થઈ રહી છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ દેશ-દુનિયાના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વેગ મળ્યો છે. ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતું ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ અમેરિકાના ન્યૂયોર્ક ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી લગભગ બમણી ઊંચાઈ ધરાવે છે.