મોરબીની બજારમાં કપડાં, ફટાકડા સહિતની ચીજોની છેલ્લી ઘડી સુધી ખરીદી

- text


ફટાકડા બજારમાં તંત્રના કડક નિયમોને કારણે વેપારમાં 30 કરોડ જેટલો ઘટાડો

મોરબી : સીરામીક સીટી મોરબીમાં આ વર્ષે સીરામીક ઈન્ડસ્ટ્રીઝમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે જેની સીધી અસર મોરબીની કપડાં બજાર અને ફટાકડા બજારને પણ થવા પામી છે, સીરામીક મંદીને કારણે આ વર્ષ મોરબીની બજારમાં કપડાં, રંગોળી કલર, સુશોભન આઇટમો સહિતની દિવાળીના દસ દિવસ અગાઉથી જ ખરીદીનો માહોલ જામવાને બદલે માત્ર ત્રણથી ચાર દિવસ જ ખરીદી નીકળી હતી અને કપડાં તેમજ ફટાકડાના વેપારમાં 30 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

મોરબીમાં સીરામીક ઉદ્યોગને કારણે દર વર્ષે દિવાળીના તહેવારમાં સ્થાનિક અને પરપ્રાંતીય લોકો મોરબીની બજારમાં મોટાપ્રમાણમાં દિવાળીની ખરીદી કરવા ઉમટી પડતા હોય છે પંરતુ આ વર્ષે સીરામીક ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હોવાથી બજારમાં ટાઢોડું જોવા મળ્યું હતું, સામાન્ય સંજોગોમાં દિવાળી પૂર્વે દસ દિવસ પહેલા જ બજારમાં ભારે ભીડ વચ્ચે દરેક વેપારીઓને સારા વ્યાપાર થતા હોય છે પરંતુ આ વર્ષે વેપારમાં 30 ટકાથી વધારાનું ગાબડું પડી ગયું હોવાનું તમામ વેપારી જણાવી રહ્યા છે.

મોરબીના કપડાના વેપારી મહેશભાઈ ભારવાણી જણાવે છે કે, મોરબી શહેરમાં દર વર્ષની તુલનાએ આ વર્ષે કપડાં બજારમાં ઓવરઓલ 30થી 40 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે જની પાછળ સિરામિકની મંદી કારણભૂત હોવાનું તેમને જણાવી કાપડ બજારની જેમજ અન્ય બજારમાં પણ ટાઢોળું હોવાનું તેમને જણાવ્યું હતું.

મોરબીના ફટાકડાના વેપારી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે, મોરબીમાં દર વર્ષે અંદાજે 100 કરોડનું ફટાકડાનું માર્કેટ છે પરંતુ આ વર્ષે માંડ 70 કરોડ જેટલું ટર્નઓવર થવાની શક્યતા છે, ખાસ કરીને રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ લાયસન્સમાં કડક નિયમો આવતા તેની અસર થઇ છે. સાથે જ આ વર્ષે માર્કેટમાં ઝૂમર ફુલઝર અને પોપઅપ ફટાકડાનો ક્રેઝ હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

- text