શુભ દીપાવલી : દીપોનો પાવન તહેવાર, આપે ખુશીઓ અપાર, લક્ષ્મીજી બિરાજે દ્વાર, થાય સપના સાકાર

ભારતીય સંસ્‍કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવાની સમજ સ્‍વીકારી છે 

મોરબી : ‘દીપાવલી’ શબ્‍દ સંસ્‍કૃત ભાષાનો છે. સંસ્‍કૃતમાં ‘દિપાવલી’નો અર્થ થાય છે દિપકોની હારમાળા. પ્રજવલ્‍લિત દીવાઓની હારમાળાની ભવ્‍યતા સૌને રોમાંચિત કરે છે. દીવો એ જ્ઞાનનું પ્રતીક છે. યુગોથી ભારતીય સંસ્‍કૃતિએ અજ્ઞાનતા અને અંધકારને દૂર કરવા જ્ઞાનરૂપી દીવાની સમજ સ્‍વીકારી છે. દીપાવલીનું પર્વ આજે પણ આધૂનિક વિચારસરણીમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે.

ગુજરાતમાં દીપાવલી પર્વની ઉજવણી પાંચ દિવસની હોય છે. સમાજના સૌ પરિવારો પોતાના ઘરોને દિવાઓથી સજાવે છે. સ્‍મૃતિ અને સંપત્તિની દેવી મા લક્ષ્‍મીજીનું આહ્વાન કરાય છે. ઉમંગના આ સમયે નાના-મોટા સૌ સાથે મળી ફટાકડા ફોડી આનંદ પામે છે.

દીપાવલીના પર્વને લઇ અનેકવિધ દંતકથા તેની સાથે જોડાયેલી છે. એક કથા અનુસાર ભગવાન વિષ્‍ણુના લગ્‍ન સમૃદ્ધિની દેવી મા ‘લક્ષ્‍મી’ સાથે થયા હતાં. બીજી પ્રચલિત કથા અનુસાર આ દિવસે ભગવાન શ્રીરામ ૧૪ વર્ષના વનવાસ બાદ લંકાપતિ રાવણનો વધ કરી વિજય પ્રાપ્‍ત કરી અયોધ્‍યામાં પાછા ફર્યા હતા. આ પ્રસંગે અયોધ્‍યાવાસીઓએ ઘરે ઘરે દિપ માલાઓ પ્રગટાવી તેમનું સ્‍વાગત કર્યું હતું. અન્‍ય બીજી પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્‍ણે આ દિવસોમાં રાક્ષસ નરકાસુરનો વધ કરી સમાજને તેના ભય અને આસુરી વૃત્તિથી મુક્ત કર્યો હતો.

દીપાવલી પર્વના પાંચ દિવસોનો ઉત્‍સવ અવર્ણનીય હોય છે. ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, પડવો અથવા વર્ષપ્રતિપદા (જે દિવસથી વિક્રમ સંવતના નવા વર્ષનો પ્રારંભ) થાય છે. પાંચમા દિવસે ભાઇ-બીજ પર્વની ઉજવણી થાય છે. ત્‍યારબાદ સાતમા દિવસે લાભપાંચમ પર્વ આવે છે. નવા કામકાજની શરૂઆત આ દિવસે કરવામાં આવે છે. નવવર્ષ પર્વ નિમિત્તે લોકો હર્ષ-ઉમંગ અને ઉલ્‍લાસની સાથે મંદિરોમાં જઇ પૂજા-અર્ચના કરી એકબીજાને હ્યદયથી મળી નવા વર્ષની શુભેચ્‍છા પાઠવે છે. આમ, દીપાવલીનું પર્વ આશા-ઉમંગની વધામણીનું છે. એકબીજા ગુજરાતીઓ એક બીજાને પ્રેમપૂર્વક મળી પ્રેમ-શુભેચ્‍છાની આપ-લે કરે છે.