- text
દિવાળીના દિવસોમાં વહેલી સવારે ઉઠી પાંચમ સુધી વડીલોને પગે લાગવાની પરંપરા ગઈ
મોરબી : હવે ક્યાં કઈ તહેવાર જેવું છે ? અમારા જમાનામાં દિવાળી આવે એટલે વહેલા સવારે પાંચ વાગ્યે જાગીને મંદિરે પહોંચી બાદમાં પાંચમ સુધી દરેક વડીલોને પગે લાગવાની પરંપરા હતી આજે જૂની પ્રથા લુપ્ત થઇ ગઈ છે, દિવાળીમાં ફટાકડા પણ ન મળતા માત્ર બે ચાર અનાનો પોટાશ લઈ અબરખની ગોળીઓ વાળી ચાકીમાં ફટાકડા ફોડતા અને એ આનંદ કંઈક અલગ જ હતો. મોરબીના નિવૃત એન.સી.સી. કમાન્ડર એમ.જે. મારુતિએ 75 વર્ષ પહેલાની દિવાળીના તહેવારની ઉજવણીની જાણી અજાણી વાતો કરી અત્યારની દિવાળીને હાઈફાઈ ગણાવી હતી.
મોરબીના નિવૃત એન.સી.સી. કમાન્ડર એમ.જે. મારુતિએ જણાવ્યું હતું કે, આજથી 75 વર્ષ પહેલા હું 11 વર્ષનો હતો ત્યારે દિવાળીના તહેવારની ઉજવણીની મજા જ કંઈક અલગ હતી એ સમયે ફટાકડા ન હતા ગામમાંથી બે ચાર આનાનો પોટાશ લઈ બાદમાં અબરખની ગોળી બનાવી લોખંડની ચાકીમાં આ ગોળી મૂકીને અથવા લોખંડના પાઈપમાં સળિયા વડે પોટાશ ફોડતા, એ સમયે લોકો પાસે પૈસાનો અભાવ હોવાથી માંડ દિવાળીએ એક જોડી નવા કપડા મળતા છતાં ઉજવણીનો આનંદ અલગ જ હતો.
- text
વધુમાં એમ.જે. મારુતિ ઉમેરે છે કે, દિવાળીમાં પૈસાદાર લોકો જ મીઠાઈ ખાઈ શકતા અમારા જેવા સામાન્ય ઘરના લોકોને નવા કપડાંની એક જોડી મળતી તો પણ ખુશ રહેતા અને લાપસી કે સુખડી આરોગી તહેવારની ઉજવણી થતી, સાથે જ 20થી 40 રૂપિયામાં એક જોડી નવા કપડાં આવી જતા હોવાનું જણાવી રાત્રે રંગોળી કરવાની અને વહેલા સવારે ઉઠી અગિયારસથી લાભ પાંચમ સુધી મંદિરોમાં પગે લાગવાની સાથે તમામ વડીલોને પણ પગે લાગતા, જો કે, તેઓએ આજના જમાનામાં દિવાળીની ઉજવણી હાઈફાઈ બની ગઈ હોવાનું જણાવી તહેવારની ઉજવણીનો આનંદ ઓસર્યો હોવાનું પણ જણાવ્યું હતું.
- text