- text
કંપની દ્વારા સ્પીડબ્રેકરનું કામ ગુણવત્તાસભર ન કરાતું હોવાની ધારાસભ્યને રજૂઆત
હળવદ : હળવદ શહેરના મધ્યમાંથી પસાર થતા માળિયા-સરખેજ હાઈવે પર આવેલા ચાર રસ્તા પર વર્ષોથી જે જગ્યા પર સ્પીડબ્રેકર હતા ત્યાં ફરીથી સ્પીડબ્રેકર મૂકવા લોકમાગ ઉઠવા પામી છે. સ્પીડબ્રેકર દૂર થઈ જતાં છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે ફરીથી સ્પીડબ્રેકર મૂકવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.
- text
મહત્વનું છે કે, હળવદ શહેરમાંથી પસાર થતા માળિયા-સરખેજ SH7 હાઈવે પર સતત ટ્રાફિક રહેતો હોય છે. આ હાઈવેમાં હળવદ શહેરમાં ત્રણ ચાર રસ્તા આવે છે. જેમાં સરા ચોકડી, હરિદર્શન હોટલ ચોકડી અને મોરબી-માળિયા ચોકડી આમ ત્રણ ચોકડી આવે છે. જ્યાંથી દરરોજ હજારો વાહનચાલકો પસાર થતાં હોય છે. ભૂતકાળમાં આ ચોકડી પર અકસ્માત થવાથી 5થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. આશરે 10 વર્ષ પહેલા આ ચોકડી પર સ્પીડબ્રેકરનું નિર્માણ કરાયું હતું. પરંતુ છેલ્લા ચાર મહિનાથી પણ વધુ સમયથી રોડનું સમારકામ કર્યું તે સમયે સ્પીડબ્રેકરને મૂળભૂત જગ્યા ચોકડીથી નજીક હતા તેને ચોકડીથી દૂર જગ્યાએ પ્રસ્થાપિત કર્યા હતા. જેના લીધે વાહને સ્પીડબ્રેકર ક્રોસ કરીને ચોકડીએ પહોંચે ત્યાં સુધીમાં સ્પીડ પકડી લે છે. જેના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા 4 મહિનામાં 40 જેટલા નાના-મોટા અકસ્માતો થયા છે. આ અંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને જાગૃત નાગરિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી હતી અને ધારાસભ્યએ પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરતાં ગઈકાલે તારીખ 29 ઓક્ટોબરે સરા ચોકડીએ મૂળભૂત જગ્યાએ સ્પીડબ્રેકર બનાવવાનું કામ શરૂ કરાયું હતું. ત્યારે હળવદના સામાજિક કાર્યકર તપન દવે, રવિ પટેલ અને જે.પીભાઈ સોમપુરા રૂબરૂ ત્યાં જતાં જાણવા મળ્યું કે, આ કામ જે શરૂ કર્યું તેમાં કોઈ જ ગુણવતા સભર કામ ના થતું હોય અને આ સ્પીડ બ્રેકર બનાવ્યાના થોડા જ સમયમાં ખરાબ પણ જતાં કંપની દ્વારા ટોલ ઉઘરાવવા માટે આ કામ કરાયું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સામાજિક કાર્યકર તપન દવેએ આ સમસ્યાનું વહેલીતકે નિરાકરણ આવે તેવી ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાને લેખિત રજૂઆત કરી છે.
- text