- text
પીડિત પરિવારને ન્યાયની આશા : આ કેસમાં હવે કોર્ટમાં કેસ ચાર્જ ફ્રેમ થશે
મોરબી : 30 ઓક્ટોબર 2022ની ગોઝારી, બિહામણી સાંજને મોરબી ક્યારેય નહીં ભૂલી શકે, મરણચીસોથી ગાજતો મચ્છુ નદીનો પટ્ટ, એમ્બ્યુલન્સના સાયરનોના કાન ફાડી નાખતા અવાજો અને લોકોના ટોળેટોળા વચ્ચે બચાવો….બચાવોના શબ્દો… મોરબીની મચ્છુ હોનારત અને ભૂકંપ કરતા પણ વધુ ભયાવહ ભાસતા હતા. 135 નિર્દોષ લોકો આંખના પલકારા જેટલા સમયમાં જ ઝૂલતા પુલ ઉપરથી સીધા જ નદીના ઊંડા અને ગંદા પાણીમાં ગરક થતા મોતને ભેંટ્યાની ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે અને આગામી સમયમાં મોરબી કોર્ટમાં આ ચકચારી કેસનો ચાર્જ ફ્રેમ થશે અને ત્યાર બાદ કેસ આગળ ચાલશે.
મોરબીમાં દર 21 વર્ષે ગોઝારી દુર્ઘટના લખાઈ હોવાની લોકવાયકા વચ્ચે વર્ષ 2022ના ઓક્ટોબર મહિનામાં દિવાળીના સપરમા દિવસોમાં પરિવાર સાથે ઝૂલતાપૂલની સહેલગાહે આવેલા અનેક પરિવારો માટે 30મી તારીખ અંતિમ બની હતી. ઓવરક્રાઉડને કારણે તા. 30મી ઓક્ટોબર 2022ની સાંજે ઝૂલતો પુલ તૂટી આખું મોરબી હીબકે ચડ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો અને મૃતદેહો સાચવવા માટે હોસ્પિટલના શબઘર પણ ટૂંકા પડયા હતા. બીજી તરફ ગંભીર દુર્ઘટના જોતા કેન્દ્ર-રાજ્ય સરકારે એનડીઆરએફ, એસડીઆરએફ સહિતની ટીમોને બચાવમાં ઉતારી દીધી હતી અને મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીએ મોરબીમાં જ પડાવ બચાવ કામગીરી કરાવી હતી. સાથે જ દેશના વડાપ્રધાન પણ આ ગોઝારી દુર્ઘટના બાદ પરિસ્થિતિનો ક્યાસ મેળવવા અને પીડિત પરિવારોના આંસુ લુછવા મોરબી આવ્યા હતા.
ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે તત્કાલ ઝૂલતાપૂલનું સંચાલન કરનાર અજંતા ઓરેવા કંપનીના બે મેનેજર સહીત ઝૂલતાપૂલના ટિકિટ ક્લાર્ક, પુલનું રીનોવેશન કરનાર કોન્ટ્રાકટર તેમજ ચોકીદાર સહીત 9 લોકો સામે ગુન્હો નોંધી તમામની ધરપકડ કરી હતી તો સરકારે સમગ્ર ઘટનાની તપાસ માટે એસઆઈટી એટલે કે સીટની રચના કરી નાખી હતી. સમય જતા નામદાર ગુજરાત હાઇકોર્ટે પણ મીડિયા અહેવાલો બાદ સુઓમોટો રીટ પિટિશન દાખલ કરી પીડિત પરિવારોને સરકાર તરફથી યોગ્ય વળતર અને જવાબદાર કંપનીને પણ વળતર ચૂકવવા આદેશ જારી કરી પીડિતોના પરિજનોને તેમજ નિરાધાર બનેલા બાળકો માટે અભ્યાસ અને જીવન નિર્વાહ માટેની વ્યવસ્થાઓ ઉપર ભાર મુક્યો હતો. જો કે, સમય જતાં હાલમાં તમામ આરોપીઓ જામીન મુક્ત બનીને બહાર આવ્યા છે અને હવે ઝૂલતા પુલ કેસમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ થવામાં છે.
ઉલ્લેખનીય છે કે, ઝૂલતાપૂલ દુર્ઘટના બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા સહિતના અગ્રણીઓ હાલમાં જામીન મુક્ત થયેલા જયસુખભાઇ પટેલના સમર્થનમાં ખુલીને સામે આવ્યા હતા તો બીજી તરફ ઝૂલતાપૂલના પીડિત પરિવારોના ટ્રેજડી વિક્ટિમ એસોસિએશન દ્વારા જયસુખભાઇ પટેલ વિરુદ્ધ આઇપીસી 302 મુજબ ગુન્હો દાખલ કરવા માંગ કરવામાં આવી હતી પણ કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી હતી.
મહત્વનું છે કે, ઝૂલતાપૂલના સદગત મૃતાત્માઓના આત્માની શાંતિ માટે પ્રખર રામાયણી મોરારીબાપુ દ્વારા મોરબીમાં રામકથા પણ યોજવામાં આવી હતી જેમાં કથાના સમાપન પ્રસંગે મોરારીબાપુના એક નિવેદનથી મામલો ગરમાયો હતો. તો બીજી તરફ પાટીદાર સમાજ દ્વારા એકતાનો પરિચય કરાવવા માટે અજંતા ઓરેવા ગ્રુપના વડીલ ઓ.આર.પટેલની પુણ્યતિથિ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન કરી એકતાનો પરિચય કરાવામાં આવ્યો હતો. અને આ ઘટનાને પણ ઝૂલતાપૂલ સાથે જોવામાં આવી હતી. આજે આ ગોઝારી ઘટનાને બે વર્ષ પૂર્ણ થયા છે. સમગ્ર મામલો કોર્ટમાં છે. ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનારા 135 નિર્દોષ લોકોના પરિવાજનો યોગ્ય ન્યાયની આશા સાથે પોતાના સ્વજનોને શ્રદ્ધાંજલિ પૂર્વક યાદ કરી રહ્યા છે.
- text
મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો ઘટનાક્રમ
– 1880 માં બનેલો 142 વર્ષ જૂનો ઝુલતા પુલ ઓરેવા ગ્રુપ દ્વારા રીનોવેશન કરી 26-10-2022 ના રોજ જયસુખભાઈ પટેલ અને તેના પરિવાર દ્વારા ખુલ્લો મુકાયો
– ઝુલતા પુલ ખુલ્લો મુકાયાના પાંચમા દિવસે તારીખ 30 ઓક્ટોમ્બર 2022ની સાંજે 6.40 વાગ્યે તૂટી ગયો, 135 લોકોના મોત
– મુખ્યમંત્રીએ તાત્કાલિક રાજ્યના ઉચ્ચ અધીકારીઓની એસઆઈટીની રચના કરાઈ
– ઘટનાના બીજા દિવસે તા.31ના રોજ ઓરેવા ગ્રૂપના બે મેનેજર, બે ટીકીટ ક્લાર્ક, કોન્ટ્રાકટર પિતા -પુત્ર અને ત્રણ સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરાઈ
– ઘટનાના ત્રીજા દિવસે તા.1 નવેમ્બરના રોજ વડાપ્રધાને મોરબીના ઘટના સ્થળ, હોસ્પિટલની મુલાકાત કરી અધિકારીઓ સાથે બેઠક કરી તાપસ અને સારવારમાં કચાસ ન રાખવા તાકીદ કરી
– તત્કાલીન ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પોલીસ દ્વારા ચાર કલાક પુછપરછ બાદ બીજા દિવસે ચીફ ઓફિસર સસ્પેન્ડ
– તા. 7 નવેમ્બર 2022ના રોજ હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો, પીઆઈએલ દાખલ કરાઈ
– તા. 27 જાન્યુઆરી 2023ના રોજ પોલીસનું 1262 પાનાનું ચાર્જશીટ રજૂ, જયસુખ પટેલનો આરોપી તરીકે ઉમેરો
– તા. 31 જાન્યુઆરી 2023ના રોજ જયસુખ પટેલ કોર્ટમાં સરેન્ડર
– તા. 22 ફેબ્રુઆરી 2023ના રોજ હાઈકોર્ટે ઓરેવા ગ્રૂપને 135 મૃતક પરિવારને 10-10 લાખ ચૂકવવા આદેશ કર્યો
– તા. 10 માર્ચ 2023ના રોજ જયસુખ પટેલ સામે 370 જેટલા સાક્ષીઓના નિવેદનો સાથે 1000 પાનાની પુરવણી ચાર્જશીટ રજૂ
– તા. 11 એપ્રિલ 2023ના રોજ મોરબી પાલિકા સુપરસીડ , પાલિકામાં વહીવટદાર શાસન
– તા. 8 મેં 2023 ના રોજ ત્રણ સિક્યુરિટી ગાર્ડ રેગ્યુલર જમીન પર મુક્ત
– તા. 6 જૂન 2023ના રોજ બે ટિકિટ ક્લાર્ક રેગ્યુલર જામીન પર મુક્ત
– હાલમાં મોરબી સબ જેલમાં જયસુખ પટેલ, બે મેનેજર અને બે કોન્ટ્રાકટર સહિતના તમામ આરોપીઓ જામીન મુક્ત
- text