મોરબી જિલ્લામાં ફટાકડાના વેચાણ અને ફોડવા બાબતે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું

- text


જાહેર રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ : રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે : ચાઈનીઝ તુક્કલ પર પણ પ્રતિબંધ મુકાયો

મોરબી : વર્તમાન સમયમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી વિપરીત અસરના સંબંધમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશન સબબ દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક કે હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.

તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે સમગ્ર મોરબી જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

તેથી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી, મોરબી દ્વારા સમગ્ર મોરબી જિલ્લામાં આગ, અકસ્માતના બનાવો ન બને, જાહેર સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે જરૂરી નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર,

(૧) નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે, તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોઈ તેમનું ઉત્પાદન કે વેચાણ કરી શકાશે નહીં.

(૨) ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ અને ધન કચરો પેદા કરતા બાંધેલા ફટાકડા જેવા કે Joint firecrackers, Series Cracker or Laris પર નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોઈ તેને રાખી કે ફોડી શકાશે નહીં તથા તેનું વેચાણ કરી શકાશે નહીં.

- text

(૩) ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે. આ વેપારીઓએ નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ પરવાનગી આપવામાં આવેલા ફટાકડાઓનું જ વેચાણ કરવાનું રહેશે.

(૪) તમામ ઈ-કોમર્સ વેબસાઈટને ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

(૫) ફટાકડા બનાવવા માટે બેરીયમના ઉપયોગ પર નામદાર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલો હોઈ તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

(૬) દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા રાત્રે 8 થી 10 કલાક સુધી જ ફોડી શકાશે. તેમજ ક્રિસમસ અને નૂતન વર્ષના તહેવાર દરમિયાન ફટાકડા રાત્રે 11:55 કલાકથી 12:30 કલાક સુધી જ ફોડી શકાશે.

(૭) હોસ્પિટલ, નર્સિંગહોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજયાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા કોડી શકાશે નહીં.

(૮) કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન જેવા કે ચાઈનીઝ તુક્કલ કે આતશબાજીના બલૂનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં. તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં.

(૯) હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર Petroleum and Explosives Safety Organisation (PESO) દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરે ફોડવાના સ્થળથી 4 મીટરની દુરી સુધીમાં 125 db (A) અથવા 145 db (C) પી.કે.થી ઓછો અવાજ પેદા કરે તેવા જ ફટાકડા વેંચી કે વાપરી શકાશે.

(૧૦) સમગ્ર મોરબી જિલ્લા વિસ્તારના જાહેર રસ્તા/ રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનું, ફટાકડા, બોમ્બ, રોકેટ, હવાઈ તથા અન્ય ફટાકડા કે જેનો સમાવેશ દારૂખાનામાં થતો હોય તેવા ફટાકડા કે આતશબાજી ફોડવા કે સળગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા- 2023 ની કલમ- 163, ગુજરાત પોલીસ અધિનિયમનિ કલમ- 135 મુજબ શિક્ષને પાત્ર થશે. આ પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી તારીખ 15-11-2024 ના 12 કલાક સુધી અને આગામી તારીખ 25-12-2024 ના 12 કલાકથી 1-1-2025 ના 12 કલાક સુધી અમલમાં રહેશે.

- text