- text
તાંત્રિક વિદ્યાના સાધકો માટે ખાસ દિવસ : ગામના ચોતરે કુંડાળું કરીને વડા મૂકી કકળાટ કાઢવાનો રિવાજ
મોરબી : દિવાળીના તહેવારો પૈકી એક તહેવાર એટલે કાળી ચૌદશ. દિવાળીના પાંચ દિવસીય તહેવારનો આ બીજો દિવસ હોય છે. આ દિવસોમાં ત્રણ સ્વરૂપોમાં જગદંબાનું પૂજન કરવામાં આવે છે. ધનતેરસના મહાલક્ષ્મી, કાળી ચૌદશના દિવસે મહાકાળી માતાજી, દિવાળીના દિવસે સરસ્વતી માતાનું પૂજન થાય છે. રૂપ ચતુર્દશીનો તહેવાર યમરાજ પ્રત્યે દીવો પ્રગટાવીને યમ પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. કાળી ચૌદશનું બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદશ પણ કહે છે.
માતા કાલીનું પૂજન
બંગાળમાં આ દિવસ માતા કાલીના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે મા કાલીની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. મહાકાલી માના આશીર્વાદથી શત્રુઓ પર વિજય મેળવવામાં સફળતા મળે છે. બંગાળ ઉપરાંત, કાળી ચૌદશ મુખ્યત્વે પશ્ચિમી રાજ્યો, ખાસ કરીને ગુજરાતમાં ઉજવવામાં આવે છે.
નરકાસુરનો વધ
કાળી ચૌદશનો તહેવાર ભગવાન વિષ્ણુના નરકાસુર પરના વિજયની યાદમાં ઉજવવામાં આવે છે. આ તહેવાર સાથે જોડાયેલી ઘણી પૌરાણિક કથાઓ છે, જેમાંથી સૌથી લોકપ્રિય વાર્તા ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે આસો ચતુર્દશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અત્યાચારી રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો અને સોળ હજાર એકસો કન્યાઓને તેની કેદમાંથી મુક્ત કરી હતી અને તેમને સન્માન આપ્યું હતું. આથી, નરક ચતુર્દશી કહેવાય છે.
તાંત્રિક વિદ્યા
કાળી ચૌદશ એ મેલી વિદ્યાના સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે, આજના દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની તમામ વિધિઓ પૂર્ણ થાય છે અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે. આ દિવસે હનુમાનજીને તલ ચઢાવવાનો પણ રિવાજ છે અને તેલના દિવાની મેશ પણ પાડવામાં આવે છે.
કકળાટ કાઢવાનો રિવાજ
- text
કાળી ચૌદશના દિવસે સાંજે ખીર અને વડા બનાવવામાં આવે છે અને વડા અને પૂરી ઘરની નજીક ચાર રસ્તા પર મૂકવામાં આવે છે. આમ કરવાને ઘરમાંથી કકળાટ કાઢ્યો એમ કહેવામાં આવે છે. આ દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ હોય છે. આપણે ત્યાં એવી માન્યતા છે કે તેલ જેટલું વધારે બળે એટલો જ જીવનમાંથી કકળાટ જાય છે. એટલે જ આ દિવસ તેલમાં વડા બનાવવામાં આવે છે. ગુજરાતના બધા જ વિસ્તારોમાં મહિલાઓ કાળી ચૌદશની સાંજે અડદ કે મગની દાળના વડા તેલમાં તળીને બનાવે છે અને ગામના ચોતરે કે નિર્જન વિસ્તારમાં જઈને કુંડાળું કરીને એમાં આ વડા મૂકી આવે છે. ઘણા લોકો આ દિવસે ઘરની જૂની વસ્તુઓ પણ ગામના ચોતરે મૂકી આવે છે. ગુજરાત સિવાય કાળી ચૌદશે કકળાટ કાઢવાની આ પ્રથા બીજે કશે જોવા મળતી નથી.
- text