મોરબી જિલ્લાના ખેડૂતોને જીરો ટકા વ્યાજે ધિરાણ આપશે રાજકોટ જિલ્લા બેન્ક

- text


વરસાદ અસરગ્રસ્ત બન્ને જિલ્લાના 2 લાખ ખેડૂતો માટે જિલ્લા બેંકનો મહત્વનો નિર્ણય

મોરબી : ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને ભારે નુકશાન થયું છે અને પાક તેમજ જમીન ધોવાણના કિસ્સામાં આર્થિક ફટકો પડતા રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા મહત્વનો નિર્ણય લઈ રાજકોટ અને મોરબી જિલ્લાના 2 લાખ ખેડૂત સભાસદો માટે એક વર્ષની મુદત માટે મહત્તમ 50 હજારની મર્યાદામાં જીરો ટકા વ્યાજે લોન આપવા 1000 કરોડનું ધિરાણ ફાળવવાની જાહેરાત કરી છે.

રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા દિવાળીના તહેવાર અવસરે જ મોરબી તેમજ રાજકોટ જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે મહત્વનો રાહત આપતો નિર્ણય કરી રૂપિયા 1000 કરોડનું ધિરાણ જીરો ટકા વ્યાજે એક વર્ષ માટે ફાળવવા નિર્ણય કર્યો છે. જિલ્લા બેંકના આ નિર્ણયનો લાભ મોરબી અને રાજકોટ જિલ્લાના બે લાખ ખેડૂતોને એક મહિનાના સમય ગાળામાં જ મળી જશે.

જિલ્લા બેંકના સુપ્રીમો એવા ધારાસભ્ય જયેશ રાદડિયાએ મોરબી અને રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરતા જણાવ્યું હતું કે, બન્ને જિલ્લાના બેંકના સભાસદ ખેડૂતોને એક પણ ડોક્યુમેન્ટ વગર જમા કરાવ્યા વગર એક હેકટરે 10 હજાર અને મહત્તમ 5 હેકટર જમીનની મર્યાદામા 50 હજારનું ધિરાણ એક વર્ષની મુદત માટે જીરો ટકા વ્યાજે આપવામાં આવશે અને આ ધિરાણ પાછળ જિલ્લા બેન્ક રૂપિયા 100 કરોડનું વ્યાજ ખેડૂતો વતી ચૂકવશે.ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં ખેડૂતોને 9થી 10 ટકા વ્યાજદરે લોન મળતી હોય છે ત્યારે પુરઅસરગ્રસ્ત ખેડૂતો માટે જિલ્લા બેંકે રાહત માટે 1000 કરોડનું જંગી ધિરાણ 2 લાખ ખેડૂત સભાસદો માટે જાહેર કર્યું હોવાનું તેમને જણાવ્યું હતું.

- text

- text