- text
મોરબી : પ્રકાશના પર્વ તરીકે ઉજવાતા દિપાવલીના તહેવારની મોરબી જિલ્લાવાસીઓને મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.
ભારત દેશ ઉત્સવપ્રિય દેશ છે, દર વર્ષે અનેક તહેવારો આપણા દેશવાસીઓ સૌ સાથે મળીને હર્ષ અને ઉમંગભેર ઉજવે છે. દિવાળીના તહેવારને ઉજાસનો તહેવાર કહેવામાં આવે છે. મોરબી જિલ્લા સહિત સમગ્ર દેશમાં દિવાળીના પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
મોરબી જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ મોરબી વાસીઓને દીપાવલીના પર્વની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે. આવતીકાલે વિક્રમ સંવત 2080 પૂર્ણ થશે અને વિક્રમ સવંત 2081નો પ્રારંભ થશે, ત્યારે જિલ્લાના કલેકટર તરીકે સમગ્ર મોરબી જિલ્લા અને મોરબી શહેરના નગરજનોને આ નૂતન વર્ષની સહૃદય શુભેચ્છાઓ પાઠવું છું.
- text
કલેકટરે સૌને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, આપ સૌનું આવનારું નવું વર્ષ ખૂબ સારું, પ્રગતિમય અને સુખાકારી તેમજ શાંતિવાળું નીવડે એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના કરું છું. સૌ આપણી સંસ્કૃતિ મુજબ પરિવાર સાથે પરંપરાગત રીતે દિવાળીની પર્વની ઉજવણી કરે તો મને વધુ આનંદ થશે. ભૂતકાળમાં આપણે જેમ દિવાળીના પર્વ પર આપણા વડીલોને મળતા હતા તેમના આશીર્વાદ લેતા અને વેપારીઓ ચોપડા પૂજન લક્ષ્મી પૂજન કરતા હતા. ઉપરાંત આપણા આરાધ્ય દેવની પૂજા કરતા તેમ આપણે સૌ પણ પૂજા અર્ચના કરી વડીલોના આશીર્વાદ મેળવીને દિવાળી મનાવીએ.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આવતા વર્ષથી મોરબીમાં જે-જે નાગરિકો મોટરસાઈકલ ચલાવે છે તેઓ ફરજિયાત હેલ્મેટ પહેરે તો લોકોની સુરક્ષા વધે અને અકસ્માત નિવારી શકાશે જેથી મને વધુ આનંદ થશે. પ્રજાજનો જો નીતિ નિયમોનું યોગ્ય પાલન કરશે તો વહીવટી તંત્ર પણ લોકોને તમામ સેવાઓ ખૂબ સારી રીતે પૂરી પાડશે. અંતમાં કલેકટરએ ફરી સૌને આ પ્રકાશના મહાપર્વની હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.
- text