- text
ત્રણ મહિના પહેલા મિત્રતા કેળવી ખંડણીની જેમ નાણાં પડાવી લેવાયા
મોરબી : મોરબીમાં સુપર માર્કેટમાં કાપડના કટપીસનો ધંધો કરતા પટેલ યુવાનને ત્રણ મહિના પૂર્વે શનાળા ગામના શખ્સ સાથે મિત્રતા કરવી ભારે પડી હતી અને મિત્ર બનેલા માથાભારે શખ્સે યુવાન પાસેથી કારણ વગર 5.46 લાખ રોકડા, મોબાઈલ, ગાડી અને બુલેટ પડાવી લઈ અપહરણ કરી જાનથી મારી નાખવા ધમકીઓ આપતા આ લુખ્ખાના ત્રાસથી છૂટવા અંતે યુવાને પોલીસ ફરિયાદ કરી છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક ગોકુલ મથુરા સોસાયટીમાં રહેતા અને સુપર માર્કેટમાં કટપીસનો ધંધો કરતા દેવ ચેતનભાઈ સોરીયા નામના યુવાનને ત્રણેક મહિના પૂર્વે શનાળા ગામે રહેતા વિશાલ વેલાભાઈ રબારી નામના શખ્સ સાથે મિત્રતા થયા બાદ આરોપી વિશાલ રબારી છેલ્લા ત્રણ મહિનામાં દેવ સોરીયા અને તેના પરિવારનું જીવવું હરામ કરી દઈ કોઈપણ લેતી દેતી થઈ ન હોવા છતાં પ્રથમ વખત દેવને કહ્યું હતું કે, તારે દોઢ લાખ હું માંગુ છું તે ક્યારે દેવા છે કરી માર મારી આઈફોન પડાવી લીધો હતો.
બાદમાં અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે દેવ સોરીયા અને તેના પિતા ચેતનભાઈ સોરીયા જ્યાં રસ્તામાં મળે ત્યાં અલગ અલગ રકમ આપવાની છે તેમ કહી બળજબરી કરી એક વખત હ્યુન્ડાઇ વેન્યુ કાર પડાવી લઈ રૂ.2.20 લાખ આપતા કાર પરત આપી હતી. બાદમાં 2.50 લાખનું બુલેટ પડાવી લઈ વારંવાર પૈસેની માંગ કરી દેવનું અપહરણ કરી વિરપર ખાણમાં લઈ જઇ બેફામ માર મારી કટકે કટકે રૂપિયા 5.46 લાખ રોકડા, આઈફોન અને બુલેટ પડાવી લેતા અંતે દેવ ચેતનભાઈ સોરીયાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિશાલ વેલા રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
- text
- text