આજથી દીપોત્સવી પર્વનો શુભારંભ : રમા એકાદશીને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે

આજે રમા એકાદશી અને વાક્ બારસ : જાણો.. રમા એકાદશી વ્રતનું માહાત્મ્ય

મોરબી : રમા એકાદશીથી દિવાળીના તહેવારની શરૂઆત થઈ જાય છે. આજે રમા એકાદશી અને વાઘ બારસ એકસાથે છે. આ એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એકાદશીની તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે ભક્તો અનેક ઉપાય કરે છે. દર વર્ષે 24 એકાદશીઓ આવે છે. જે વર્ષમાં અધિક માસ હોય છે તે વર્ષમાં 26 એકાદશી હોય છે. તમામ એકાદશીઓનું પૌરાણિક મહત્વ છે.

કહેવાય છે કે રમા એકાદશી એકાદશી મનુષ્યને કર્મમાંથી મુક્તિ આપે છે. ગુજરાતી પંચાંગ મુજબ રમા એકાદશી આસો મહિનામાં આવે છે. રમા એકાદશીને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીને દેવી લક્ષ્મીના નામ પરથી રમા એકાદશી નામ આપવામાં આવ્યું છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.


રમા એકાદશી વ્રત કથા

દંતકથા અનુસાર, એક શહેરના રાજા મુચુકુંદેએ પુત્રી ચંદ્રભાગાના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા. શારીરિક રીતે શોભન ખૂબ જ નબળા હતા. તે એક ટાઇમ પણ ભોજન વિના રહી શકતો ન હતો. કારતક મહિનામાં બંને રાજા મુચુકુંદને ત્યાં ગયા અને તે દિવસે રમા એકાદશી હતી. પિતાના સામ્રાજ્યમાં રમા એકાદશીનું વ્રત મનુષ્યો તેમજ પશુઓ પણ કરતા હતા. ચંદ્રભાગા ચિંતિત હતી કારણ કે પતિ ભૂખ્યો રહી શકતો ન હતો તેથી તેણે શોભનને બીજા રાજ્યમાં જઈને ભોજન લેવા કહ્યું હતું.

શોભને ચંદ્રભાગાની વાત ન સાંભળી અને રમા એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું. સવાર સુધીમાં શોભને જીવ ગુમાવ્યો હતો. પતિના મૃત્યુ પછી ચંદ્રભાગા પિતા સાથે રહીને પૂજા અને ઉપવાસ કરતી હતી. બીજી તરફ એકાદશી વ્રતની અસરથી શોભનને આગલા જન્મમાં દેવપુર શહેરનું રાજ્ય મળ્યું જ્યાં ધન અને ઐશ્વર્યની કોઈ કમી નહોતી. એકવાર રાજા મુચુકુંદના નગરના બ્રાહ્મણ સોમ શર્મા દેવપુર નજીકથી પસાર થતા હોય છો ત્યારે તેઓ શોભનને ઓળખી જાય છે. બ્રાહ્મણ પૂછે છે કે શોભનને આટલી બધું ઐશ્વર્ય કેવી રીતે મળ્યું? ત્યારે શોભન તેમને જણાવે છે કે આ બધું રમા એકાદશીનું પરિણામ છે પરંતુ આ બધુ અસ્થિર છે.

શોભન બ્રાહ્મણને તેની સંપત્તિ સ્થિર કરવાનો માર્ગ પૂછે છે. આ પછી બ્રાહ્મણ શહેરમાં પાછો ફરે છે અને ચંદ્રભાગાને આખી વાર્તા સંભળાવે છે. ચંદ્રભાગાએ જણાવ્યું હતું કે તે છેલ્લા આઠ વર્ષથી એકાદશીનું વ્રત કરે છે, તેના પ્રભાવથી પતિ શોભનને પુણ્ય ફળ મળશે. આટલું કહી તે શોભન પાસે જાય છે. ચંદ્રભાગા તેના ઉપવાસનું પુણ્ય શોભનને સોંપે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દેવપુરનું ઐશ્વર્ય સ્થિર થાય છે અને બંને સુખેથી જીવે છે.