મોરબીમાં દિવાળીએ અધધધ રૂ.100 કરોડના ફટાકડા ફૂટવાનો અંદાજ

- text


બજારમાં 2 રૂપિયાથી માંડી રૂ.22,000 સુધીની 300થી વધુ વેરાયટીઓ : મંદીના માહોલમાં સોમવારથી ખરીદી નીકળવાની વેપારીઓને આશા

મોરબી : દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબીની બજારમાં હજુ જોઈએ તેવી ઘરાકી જામી નથી જો કે, હોલસેલમાં ફટાકડાની ધૂમ ખરીદી થઇ રહી છે પરંતુ રિટેઇલમાં મંદી જોવા મળે છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે હાલ શાળાઓમાં વેકેશન પડતા સોમવારથી ફટાકડા બજારમાં ખરીદી થવાની આશા છે. મોરબીમાં 26 જેટલા કાયમી વેપારીઓ અને 38 જેટલા હંગામી વેપારીઓએ લાયસન્સ માટે અરજી કરી છે જો કે તંત્ર દ્વારા હજી સુધી એક પણ લાયસન્સને મંજૂરી આપી નથી.

મોરબીના ફટાકડાના વેપારી દીપક્ભાઈ પોપટે જણાવ્યું હતું કે આ વખતે માર્કેટમાં બે રૂપિયાથી શરુ કરીને રૂ.22,000 સુધીના 300થી વધુ વેરાયટીના ફટાકડા ઉપલબ્ધ છે અને 12 શોર્ટથી માંડી 1000 શોર્ટ સુધીના ફંક્શન ફટાકડા મળે છે જયારે આ વર્ષે સુતળી બોમ્બમાં 50 ટકાનો વધારો થયો છે.પહેલા જે 150 નું બોક્ષ મળતું તે 250 માં મળે છે, આ ઉપરાંત વીઆઈપી પહેલા 100

માં મળતું તે 200 માં મળે છે. આ વખતે મોરબીમાં ફટાકડાનું 100 કરોડનું માર્કેટ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.


હજુ એક પણ વેપારીને લાયસન્સ અપાયું નથી

મોરબી પ્રાંત ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે મારી પાસે કાયમીની 26 અને હંગામી 38 જેટલી અરજીઓ આવી છે. જેમાંથી તમામની ફાયર એનઓસી આવી ગઈ છે, અમુકનો મામલતદાર અને પોલીસનો અભિપ્રાય બાકી છે જેથી પોલીસ અભિપ્રાય આવ્યા બાદ સોમવારથી લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે


ફાયર એનઓસી માટે કડક નિયમ

રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના પછી ફાયર એનઓસી માટે કડક નિયમો બનાવ્યા છે. જેમાં કાયમી ફટાકડા વેંચતા દુકાનદારો માટે પાણીની લાઈન, ટાંકા, દરેક ફ્લોર પર ફાયર બોટલો સહિતની ફાયરની પૂરતી સુવિધા હોવી જરૂરી છે. આ ઉપરાંત હંગામી સ્ટોલ માટે કાપડના મંડપની જગ્યાએ ફરજીયાત પતરાની આડસો નાખવાનો નિયમ બનાવ્યો છે આથી કાયમી લાયસન્સ ધરાવતા વેપારીઓને 2.5 લાખથી માંડી 4 લાખ સુધીનો વધારાના ખર્ચ કરવો પડ્યો છે


રંગોળી કલરનું 30 લાખનું માર્કેટ

દિવાળીમાં ઘરે ઘેરે રંગોળી બનાવવાનું ચલણ અનાદીકાળથી ચાલ્યું આવે છે. ત્યારે લોકો અગિયારસથી શરુ કરીને નવા વર્ષ સુધી રંગોળી બનાવતા હોય કલરનું પણ મોટું માર્કેટ છે, આ વર્ષે મોરબીમાં 25 જેટલા રંગોળીના કલરો ઉપલબ્ધ છે જેનું માર્કેટ રૂપિયા 30 લાખ જેટલું છે


સુશોભન અને લાઇટિંગું 70 લાખનું માર્કેટ

દિવાળી પર્વ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. આ તહેવારમાં લોકો મકાન -દુકાન ઓફિસ અને ફેકટરીઓમાં રોશની કરી શણગાર કરતા હોય છે.મોરબીની માર્કેટમાં દિવડા, તોરણ, લાઇટિંગ દિવડા, પાણી દિવડા, કલીંગ, જેવી સુશોભનની 500 થી વધુ વેરાયટીઓ બજારમાં ઉપલબ્ધ છે જેનું 70 લાખનું માર્કેટ હોવાનું અગ્રણી વેપારીઓ જણાવી રહ્યા છે.


માર્કેટમાં આ વર્ષે ફટાકડામાં 20થી વધુ નવી વેરાયટીઓ

માર્કેટમાં આ વર્ષે ચકરડી, ફુવારામાં ટ્રાઈકલર ફાયર, વાયોલેક મેટ્રીક્સ, ગન ફાયર, ગન પોર્ટસ, ટાવર પોર્ટસ, પીકોક પોર્ટ્સ, સિમ્ફની પોર્ટ્સ તેમજ ફેન્સી ફટાકડામાં બુગિસ ફેન્સી, ટોમ એન્ડ જેરી, લેસર શો, મેરેથોન કવીનકલીન સ્ટાર, જીતી ફેન્સી સહિતની 20 થી વધુ નવી વેરાયટીઓ માર્કેટમાં ઉપલબ્ધ છે.

- text


- text