મોરબી જિલ્લામાં રેશનકાર્ડ ઈ-કેવાયસીની નબળી કામગીરી

- text


સર્વરના ધાંધિયાને કારણે જિલ્લામાં 11,71,680 રેશનકાર્ડમાં સમાવિષ્ટ સભ્યો પૈકી 4,04,018 લોકોના ઈ-કેવાયસી થયા

મોરબી : ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડમાં સમાવિષ્ઠ તમામ સભ્યોના આધારકાર્ડ, ફેસ, તેમજ ફિંગરપ્રિન્ટ સાથે ઈ-કેવાયસી કરવા આદેશ કર્યાના લાંબા સમય બાદ પણ મોરબી જિલ્લામાં 2,77,712 રેશનકાર્ડ ધારકો પૈકી માત્ર 34.48 ટકા રેશનકાર્ડમાં સમાવિષ્ઠ સભ્યોના જ ઈ-કેવાયસી થયા હોય આગામી દિવાળીના તહેવાર બાદ જે જે તાલુકામાં ઓછા કેવાયસી થયા છે ત્યાં પુરવઠા તંત્ર કેમ્પ યોજી ઈ-કેવાયસી કરાવશે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં કુલ 2,77,712 રેશનકાર્ડ ધારકો નોંધાયેલ છે જેમાં તમામ રેશનકાર્ડ ધારકોની સભ્ય સંખ્યા 11,71,680 છે, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સરકારની ફ્રી રેશનની યોજનાના લાભ માટે રેશનકાર્ડમાં સમાવિષ્ઠ તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરવું ફરજીયાત કર્યું હોવા છતાં મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં માત્ર 4,04,018 લોકોના ઈ-કેવાયસી થયા છે જેથી ટકાવારીની દ્રષ્ટિએ માત્ર 34.48 ટકા જ કામગીરી થઇ છે.

બીજી તરફ તમામ રેશનકાર્ડ ધારકોનું નવેમ્બર અંત સુધીમાં ઈ-કેવાયસી કરવા ગાંધીનગરથી આદેશ છૂટયા હોય મોરબી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જે -જે તાલુકાઓમાં ઓછા ઈ-કેવાયસી થયા છે તેવા તમામ તાલુકાઓમાં કેમ્પ યોજી ઈ-કેવાયસી કરવાની સાથે રેશનકાર્ડ ધારકો જાતે ઈ-કેવાયસી કરી શકે તે માટે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઈ -કેવાયસી માટે જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવનાર હોવાનું જિલ્લા પુરવઠા અધિકારી વર્માએ જણાવ્યું હતું સાથે જ તમામ મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તેમજ વીસીઇ પાસે પણ ઈ-કેવાયસી કરાવવા લોકોને અનુરોધ કરી આગામી નવેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી લેવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

- text

નોંધનીય છે કે, પુરવઠા વિભાગ દ્વારા રેશનકાર્ડ ધારકો માટે ઈ- કેવાયસી ફરજીયાત કર્યું હોવાથી દરરોજ અનેક લોકો લગત મામલતદાર ઓફિસે ઘરના તમામ સભ્યો સાથે લાઈનો લગાવે છે પરંતુ પુરવઠાના સર્વરના ધાંધિયાને કારણે લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ ઈ -કેવાયસી થતા ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

- text