મોરબીના ઘુંટુંમાં 50 હજારની લાંચ લેતા તલાટી અને સરપંચ પતિ ઝડપાયા 

- text


લાકડાની પ્લેટ બનાવવાના કારખાનાના બાંધકામ માટે માંગી હતી લાંચ 

મોરબી : મોરબી શહેરની આજુબાજુના ગામોમાં બાંધકામ મંજૂરી માટે લાખો રૂપિયાની લાંચ માંગવી સામાન્ય બની ગઈ છે અને બાંધકામ મંજૂરી માટે પ્રસાદ ધર્યા વગર મંજૂરી આપવામાં ન આવતી હોવાનું જગજાહેર છે ત્યારે દિવાળીના તહેવાર ટાઈમે જ શુક્રવારે મોરબી એસીબીએ લાંચનું સફળ છટકું ગોઠવી ઘુંટુ ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ પતિને રૂપિયા 50 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેતા ચકચાર મચી ગઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામે બીનખેતી થયેલ ચાર વિધા જમીનમાં ફરિયાદી લાકડાની પ્લેટ બનાવવાનુ કારખાનું બનાવવા માટે બાંધકામ કરવા માટે ઘુંટુ ગ્રામ પંચાયત પાસે બાંધકામ મંજુરી મેળવવા માટે કાર્યવાહી કરતા તલાટી કમ મંત્રી વિમલભાઇ સુંદરજીભાઇ ચંદ્રોલા તથા ઘુટુ ગામના સરપંચના પતી દેવજીભાઇ હરખાભાઇ પરેચાએ બાંધકામની મંજુરી આપવા માટે 50 હજારની લાંચની માંગણી કરેલ હતી.

- text

જો કે, લાકડાની પ્લેટ બનાવવાની ફેક્ટરી બનાવવા ઇચ્છતા જાગૃત નાગરિક લાંચ આપવા માંગતા ના હોય, મોરબી એસીબીનો સંપર્ક સાધતા મોરબી એસીબી પીઆઇ એમ.એમ.લાલીવાલાએ લાંચનું છટકું ગોઠવ્યું હતું જેમાં ઘુટુ ગ્રામ પંચાયતની કચેરી ખાતે લાંચીયો તલાટી વિમલભાઇ સુંદરજીભાઇ ચંદ્રોલા અને સરપંચનો પતિ દેવજીભાઇ હરખાભાઇ પરેચા લાંચના છટકામાં આબાદ ફસાઈ ગયા હતા અને દિવાળી ટાણે જ રૂપિયા 50 હજારની લાંચની રકમ સ્વીકારતા એસીબીએ બન્ને આરોપીઓને રંગે હાથ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text