મોરબી એસટીને એડવાન્સમાં દિવાળી ફળી, રોજની એક લાખની આવક વધી

- text


તહેવારોને પગલે શનિવારથી દાહોદ – અમદાવાદ રૂટમાં એક્સ્ટ્રા બસો મુકાશે

મોરબી : દિવાળી તહેવાર આડું હવે અઠવાડિયું જ રહ્યું છે ત્યારે મોરબી વિભાગીય એસટી ડેપોને એડવાન્સમાં જ દિવાળી ફળી ગઈ છે. મોરબી એસટી ડેપોને છેલ્લા 10 દિવસથી આવકમાં વધારો થયો છે જેમાં તા. 14 થી તા. 23 સુધીમાં 43. 67 લાખની આવક થઇ છે.સામાન્ય દિવસોમાં એસટીને દરરોજની 3.50 લાખ આસપાસ આવક થાય છે પરંતુ છેલ્લા 10 દિવસથી 4.25 લાખથી વધુની આવક થઇ રહી છે.

સીરામીક હવે મોરબીમાં પરપ્રાંતીય શ્રમિકોની સાથે દાહોદ, ગોધરા, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓના શ્રમિકો મોટાપ્રમાણમાં રોજીગરી મેળવી રહ્યા છે અને શ્રમિકો ઉપરાંત અન્ય લોકો પણ દિવાળીના તહેવારમાં માદરે વતન જતા હોય મોરબી એસટી ડેપોને દિવાળી પહેલા જ આવકમાં દૈનિક એક લાખથી વધુની આવક વધવા પામી છે.

મોરબી એસટી ડેપો મેનેજર પઢારીયાએ જણાવ્યું હતું કે મોરબી ડેપો પાસે 54 જેટલી બસો છે. ખાસ કરીને દિવાળીના તહેવારને કારણે છેલ્લા દસેક દિવસથી ટ્રાફિકમાં વધારો થયો છે પરિણામે સામાન્ય દિવસોમાં 3.50 લાખની દૈનિક આવક હાલમાં સવા ચાર લાખ સુધી પહોંચી છે. વધુમાં દિવાળીના તહેવારોને અનુલક્ષીને આગામી તા. 26ને શનિવારથી મોરબી એસટી ડેપો ખાતેથી દાહોદ,અમદાવાદ બાજુ વધારાની બસો દોડાવશે અને જામનગર, રાજકોટમાં પણ જરૂરિયાત પ્રમાણે બસો દોડાવવામાં આવશે.


ઓનલાઇન અને એડવાન્સ બુકિંગમાં દરરોજની 50 હજારની વધારાની આવક

મોરબી એસટી ડેપોમાં ઓનલાઇન અને એડવાન્સ બુકિંગની દરરોજની 50 હજાર જેવી આવક થાય છે ત્યારે દિવાળી નજીક આવતા આ આવકમાં વધારો થયો છે. વધુમાં ગત તા. 16 થી 23 સુધીના આઠ દિવસમાં જ એસટી વિભાગને રૂપિયા 7,37,100/- ની આવક થઇ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

- text


બે દિવસ 14 બસ પીએમના કાર્યક્રમમાં મુકાતા મુસાફરો રઝળશે

હાલમાં દિવાળીના તહેવારને કારણે મોરબી એસટીની આવકમાં વધારો થયો છે તેવા સમયે જ આગામી તા. 28 ના રોજ વડાપ્રધાન અમરેલી જિલ્લાની મુલાકાતે આવનાર હોવાથી મોરબી એસટી ડેપોની 14 બસો તા. 27 અને 28 બે દિવસ સુધી કાર્યક્રમમાં ફાળવાતા દિવાળી સમયે જ મુસાફરોને હેરાન થવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ હોવાનું પણ સામે આવ્યું છે.


- text