ગુટલીબાજ કર્મચારીઓ ઉપર લગામ : મોરબી પાલિકામાં બાયોમેટ્રિક હાજરી ફરજિયાત

- text


ઓફિસે આવતા અને જતા સમયે અંગુઠો ફરજિયાત મારવો પડશે

મોરબી : સૌરાષ્ટ્રની નંબર વન ગણાતી મોરબી પાલિકામાં રામના રાજ અને પ્રજા સુખી કહેવત મુજબ ક્યાં કર્મચારીઓ ક્યારે આવે છે અને ક્યારે જાય છે તેની કોઈ જ વ્યવસ્થા ન હોવાથી વર્ષોથી ગુટલીબાજ કર્મચારીઓને મજા મજા જેવી સ્થિતિ જોવા મળતી હતી પરંતુ મોરબીમાં નવા ચીફ ઓફિસર આવતા જ ગુટલીબાજ કર્મચારીઓ ઉપર લગામ કસવા માટે બાયોમેટ્રિક હાજરી ફરજીયાત બનાવી છે અને તમામ કર્મચારીઓને આવતા તેમજ જતા સમયે બાયોમેટ્રિક હાજરી મશીનમાં અંગુઠા મારવા ફરજીયાત કરવામાં આવ્યા છે.

મોરબી નગરપાલિકામાં અત્યાર સુધી મસ્ટરમાં હાજરી પુરાતી હતી પરંતુ છેલ્લા પાંચ દિવસથી ચીફ ઓફિસર કુલદીપસિંહ વાળાએ ઓફિસે આવતા અને ઓફિસથી સાંજે છુટતી વેળાએ તમામ કર્મચારીઓ માટે ફરજીયાત બાયોમેટ્રીકથી હાજરી પુરવાનું ફરમાન કર્યું છે. મોરબી નગર પાલિકામાં હાલમાં ઇન્ડોર અને આઉટડોર બને મળી 240 જેટલા કાયમી અને રોજમદાર કર્મચારીઓ ફરજ બજાવે છે. આથી તમામે ઓફિસે આવવા જવાના સમયે ફરજિયાન હાજરી પૂરવી પડશે.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબી નગરપાલિકામાં વહીવટદાર શાસનને કારણે પાલિકા ધણી ધોરી વગરની હોય તેવી સ્થિતિ સર્જાતા ખુદ મોરબી જિલ્લા કલેકટરે આ અગાઉ અનેક વખત સરપ્રાઈઝ ચેકીંગ કરી ગુટલીબાજ કર્મચારીઓને ઝડપી લઈ નોટિસો ફટકારી હતી આ સંજોગોમાં મોરબી નગરપાલિકામાં બાયોમેટ્રિક હાજરી ફરજીયાત બનતા અનેક ગુટલીબજોનાં ભવા ચડી ગયા છે ત્યારે આ બાયોમેટ્રિક હાજરી સિસ્ટમ કેટલી કારગર નીવડે છે તે આવનાર સમય બતાવશે.

- text